કપરાડા: સમસ્ત આદિવાસી સમાજનાં વડા ડો.પ્રદીપભાઈ ગરાસિયા દ્વારા નવનિયુક્ત નવસારી અને વલસાડ જિલ્લાનાં પ્રમુખો અનુક્રમે ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને કમલેશભાઈ પટેલની નિમણુંક થતાં સમાજના યુવાનોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.હાલમાં જ ખેરગામનાં સેવાભાવી યુવાનો દ્વારા કપરાડા તાલુકા વીરક્ષેત્ર ગામમાં વાસી ભાત ખાવાના કારણે મૃત્યુ પામેલ બાળકોના પરિવારને સધિયારો આપવા અને મદદ કરવા પહોંચ્યા ત્યારે સુથારપાડા વિસ્તારનાં યુવાનો,વડીલો દ્વારા ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને એમની ટીમ સમક્ષ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.

જેનાં પરત્વે ડો. નિરવ પટેલ અને કમલેશ પટેલનાં સંયુક્ત માર્ગદર્શન હેઠળ સમસ્ત આદિવાસી સમાજ,ખેરગામનાં યુવાનો દ્વારા રોજિંદી બસોની સંખ્યામાં વધારો કરવા,સુથારપાડા આંતરરાજ્યનો સરહદીય વિસ્તાર હોય એક પોલિસ ચોકી-પોલિસ સ્ટેશન,બેંક એટીએમ અને કપરાડા માંથી પસાર થતાં નેશનલ હાઇવે સહિતનાં મોટાભાગનાં રસ્તાઓ અતિશય બિસ્માર હાલતમાં હોય રોજિંદા આવજાવ કરતી ગરીબ પ્રજા માટે સમય અને જાનમાલની બરબાદી કરનાર બની રહેલ છે તો વહેલીતકે રસ્તાનું સમારકામ કરી આપવા સહિતનાં વિવિધ પ્રશ્નોની રજુઆત ખેરગામ મામલતદારથકી સ્થાનિક ધારાસભ્ય અને વર્તમાન મતસ્યઉદ્યોગ અને કલ્પસર યોજના, રાજ્યકક્ષા મંત્રીશ્રી(સ્વતંત્ર હવાલો) જીતુભાઇ ચૌધરી અને વલસાડ જિલ્લા કલેકટરને લેખિતમાં આપેલ હતી.

ખેરગામ આદિવાસી સમાજ પ્રમુખ મિન્ટેશ પટેલ જણાવ્યું કે કપરાડા તાલુકાનાં સુથારપાડા ગામની મુલાકાતે જવાનું થયું ત્યારે ત્યાંની ઘણી તકલીફો ત્યાંના સ્થાનિક રહેવાસીઓ દિવ્યેશ શીંગાડે, માધુ રાઉત સહિતના સપ્તાહમાં હાજર અન્ય સ્થાનિકો દ્વારા જાણવા મળેલ, ત્યારે અમે અમારી ટીમ સાથે અમારા આદિવાસી સમાજના બાંધવોને પડી રહેલી તકલીફ માંથી મુક્તિ કેવી રીતે અપાવી શકાય એ બાબતે ચર્ચા કરી અને નક્કી કર્યુ કે આજ વિસ્તારનાં ધારાસભ્ય અને મંત્રીશ્રી જીતુભાઇ ચૌધરી અને જિલ્લા કલેકટરને લેખિતમાં રજુઆત કરી એમની મદદ લઈને સુથારપાડા વિસ્તારના ગરીબ આદિવાસી સમાજનાં રહેવાસીઓની સુખાકારી લાવવા માટે પૂરતા પ્રયત્નો કરીશું. આ પ્રસંગે મિન્ટેશ પટેલ, હિરેન પટેલ કીર્તિ પટેલ, દલપત પટેલ, જીતેન્દ્ર,મિલન પટેલ, નિમેષ,કાર્તિક, ડો.કૃણાલ, વિકાસ, મયુર, કૃણાલ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી.