નર્મદા: પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશમાં મેઘ તાંડવને કારણે ગુજરાતનાં ડેમોને એલર્ટ જાહેર કર્યા છે. નર્મદા કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે નર્મદા ડેમની જળસપાટી સતત વધી રહી છે.ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા નર્મદા ડેમમાં પાણીની આવક વધતા સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે.
જેને પગલે સરદાર સરોવર નર્મદા બંધના 23 દરવાજા 2.25 મીટર સુધી ખોલીને 3 લાખ 50 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. નર્મદા નદીમાં પાણી છોડતાં નદી કાંઠાના નીચાણવાળા ગામોને એલર્ટ જાહેર કરી લોકોને સાવચેત રહેવા નર્મદા જિલ્લા પ્રશાસને અપીલ કરી છે. પશુપાલકો ઢોર ચરાવવા અને જાહેર સ્થળો પર ન જાય એ માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે.
મહત્વનું છે કે, સરદાર સરોવરમાં પાણીની આવક વધી શકે છે કારણ કે સવારે 8 કલાકે ઇન્દિરા સાગર ડેમના 12 ગેટ 3.50 મીટર ખોલી 4 લાખ 08 હજાર 800 ક્યુસેક પાણી છોડાતાં નર્મદા બંધમાં પાણીની આવક મોટી માત્રામાં વધી શકે. મધ્ય પ્રદેશમાં ભોપાલ, નર્મદાપુરમ, જબલપુર, ગુના, શીવપુરી, સાગર જિલ્લાઓમા સતત વરસાદના પગલે નર્મદા ડેમમાં પાણીની આવક વધી રહી છે. તાલુકાના તમામ અધિકારી /કર્મચારી તથા તલાટીકમ મંત્રી, રેવન્યુ તલાટી અને સરપંચોને સાવચેતીના પગલા ભરવા અપીલ કરી છે

