આહવા: ભ્રષ્ટાચાર રોકનારા જ આદિવાસી વિસ્તારમાં લાંચના રવાડે ચડયા છે ત્યારે વઘઈમાં આમલેટ અને બિરયાની લારી ઉભી રાખી ધંધો કરતા દુકાનદાર પાસેથી ૫ હજારની લાંચ માંગતા GRD અને પોલીસ કોન્સ્ટેબલ એસીબીના હાથે ચઢ્યાનો કિસ્સો બહાર આવ્યો છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ACBને ફરીયાદી કરનાર કાલીબેલથી ટેકપાડા જતા રોડની બાજુમાં આમલેટ અને બીરીયાનીની લારી ઉભી રાખી ધંધો કરતા હોય, વઘઈ પોલીસ સ્ટેશન કાલિબેલ આઈટ પોસ્ટ પોલીસ સ્ટેશનનો પોલીસ કોન્સ્ટેબલ અશ્વીન ગંભીરભાઇ વસાવાએ મહીને રૂપિયા ૧૦,૦૦૦/-ની હપ્તા પેટે લાંચની માંગણી કરેલ. જે રકઝકના અંતે માસિક રૂપિયા ૮,૦૦૦/-આપવાનું નકકી થયેલ. જે પૈકીની ૫,૦૦૦/-ની લાંચની રકમ ફરીયાદીને શુકવારે આપી જવા જણાવેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીએ ACBનો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે ACBએ લાંચના છટકાનું આયોજન કરતા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિન વસાવા અને GRD કમલેશભાઇ એવજીભાઇ ગાયકવાડઓ સરકારી વાહનમાં લાંચની રકમ લેવા કાલીબેલ બસ સ્ટોપ ઉપર આવેલ અને પોલીસ કોન્સ્ટેબલએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ GRDને આપવાનું કહી, સ્થળ ઉપરથી જતા રહેલ અને GRDએ સ્થળ પરથી લાંચ રકમ રૂપિયા ૫ હજાર સ્વીકારતા ACBના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો હતો.

હાલમાં ACBએ વઘઈથી આ પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.