વઘઈ ગતરોજ વઘઈ તાલુકાના પાંઢરમાળ ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકાની અનિયમિત હાજરી બાબતે ગ્રામજનોએ શિક્ષિકાની તાત્કાલિક બદલીની માંગણી કરી શાળાને તાળુ મારી દેતા શિક્ષણ જગતમાં ચકચારી મચી જવા પામી છે.

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં પાંઢરમાળ ગામનાં ગ્રામજનો તેમજ પ્રાથમિક શાળાનાં એ.એસ.એમ.સી સભ્યોએ આજરોજ શાળામાં યોજાયેલા પ્રવેશ ઉત્સવ દરમ્યાન શાળાનાં શિક્ષિકા દિપીકાબેન મનુભાઈ ગાવિત જેમણી શાળામાં અનિયમિતતા બાબતે તાલુકા શિક્ષણ અધિકારી સહિતનાં અધિકારીઓ સામે રજૂઆત કરી હતી.

ગ્રામજનોએ જણાવ્યુ હતુ કે શાળાનાં શિક્ષિકા બપોરે 12 વાગ્યે શાળામાં આવે છે અને સાંજે શાળા સમય પૂરો ન થાય તે પહેલા ચાર વાગ્યાનાં અરસામાં શાળામાંથી જતા રહે છે. જેના લીધે આદિવાસી બાળકોનાં શિક્ષણ પર વિપરીત અસર પડી રહી છે. આ શિક્ષિકાનાં અનિયમિતતાનાં પગલે શાળામાં ખુબ જ ઓછા બાળકો ભણવા આવે છે. વધુમાં હાલમાં શાળામાં ભણતા બાળકોને કંઈ પણ આવડતુ નથી. જેના કારણે આ અનિયમિત શિક્ષિકાથી ત્રાસી ગયેલા વિદ્યાર્થીનાં વાલીઓએ આજરોજ પ્રવેશોત્સવમાં હાજર અધિકારીઓને રજૂઆત કરી શાળાને તાળાબંધી કરી હતી. આ અનિયમિત શિક્ષિકાની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં ન આવે ત્યાં સુધી શાળાને તાળાબંધી જ રહેશેનું જણાવતા ડાંગ શિક્ષણ જગતમાં ભારે ચકચારી મચી જવા પામી હતી.