કપરાડા: વર્તમાન સમયમાં પર્યાવરણનું મહત્વ સમજતા આજરોજ વલસાડના કપરાડા તાલુકામાં નીલોસી ગામમાં જાયન્ટસના આદ્ય સ્થાપક પદ્મશ્રી નાના ચૂડાસમાની જન્મજયંતીની ઉજવણી નિમિત્તે જાયન્ટસ ગ્રૂપ ઓફ વલસાડે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

જાયન્ટસના આદ્ય સ્થાપક પદ્મશ્રી નાના ચૂડાસમાએ એક સમયે ‘ગ્રીન મુંબઈ ક્લીન મુંબઈ’ની ઝુંબેશ ઉપાડેલી. પર્યાવરણ ક્ષેત્રે એમણે કરેલી કામગીરીને ધ્યાને લઇ જાયન્ટસ ગ્રૂપ વલસાડના પ્રમુખશ્રી ડૉ. આશા ગોહિલ તથા પ્રોજેક્ટ ચેરમેનશ્રી હાર્દિક પટેલ તથા સમગ્ર ટીમ દ્વારા એમના જન્મદિવસની વૃક્ષારોપણ કાર્યક્રમ થકી ઉજવણી કરી.
જેમાં તુલસી, ગુલાબ, જાસૂદ, દાડમ, સીતાફળ, જમરુખી, તજપત્તા, ચંપો, સપ્તપર્ણ , સરગવો, ફણસ, બિલી, સરૂ, વાંસ, કદંબ, ગુલમહોર, ગરમાળો, કાજુ, બંગાળી બાવળ, ખાટી આમલી, વડ ઈત્યાદિ સુશોભનના, ફળોના, આયુર્વેદના તથા અન્ય 700 જેટલાં ઉપયોગી છોડ વિતરણ કરવામાં આવ્યા. થોડાં રોપાઓ પ્રાથમિક શાળાના તથા મંદિરના પરિસરમાં, રસ્તાની તથા સ્મશાનની આજુબાજુ રોપવામાં આવ્યા. બીજાં રોપાઓ વિતરણ કરવામાં આવ્યા.

આ કાર્યક્રમ સફળ બનાવવામાં નીલોસીના સરપંચ , છગનભાઈ , રાવજીભાઈ કુરકુટિયા, શંકરભાઈ, દેવરામ ભોયા, દિલીપ ધનગર, રીટાબેન ( બીટ ગાર્ડ), હાર્દિક પટેલ (આમરી, પારડી) શ્રી નીલમભાઈ ( ખોબા) ની તથા જંગલ ખાતાની નર્સરીની મોટી મદદ મળી હતી. નાનાંમોટાં વૃક્ષો વાવી, એની જાળવણી કરવી એવા સંકલ્પ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ થયો. આ સાથે કુલ 1700 રોપાઓ આ વર્ષે વિતરણ થયા.