ચીખલી: રાનકુવા ખારેલ રોડ પર રેલ્વે ક્રોસિંગ ફાટકની બાજુમાં એક મસ મોટું સુકાયેલું ઝાડ રસ્તાની સાઇડમાં નમી ગયું છે અને આખું ઝાડ સુકાઈ ગયેલી હાલતમાં છે જે ક્યારેક ત્યાંથી અવરજવર કરતા લોકો માટે જોખમકારક બની શકે છે તેમ છતાં ગ્રામ્ય કે તાલુકાના તંત્રને કઈ જ ના પડી હોય એવું લાગી રહ્યું છે.

રાનકુવા ખારેલ રોડ પર થઈ ને અમદાવાદ, વડોદરા, સુરત, નવસારી જેવા શેહેરોથી કાયમ માટે વઘઇ સાપુતારા માટે મોટી સંખ્યામાં પ્રવાસ કરવા લોકો જતા હોય છે અને રાનકુવા એક એવું ગામ છે જે ૧૯ થી ૨૦ ગામોને જોડતુ ગામ છે માટે રાત દિવસ હજારો લોકો અવર જવર કરતા હોય છે. અને રેલ્વે ફાટકની આજુ-બાજુમાં અસંખ્ય નાની નાની દુકાનો પણ છે અને ત્યાં સીઝન પ્રમાણે વિવિધ ચીજ વસ્તુનું વેચાણ થાય છે માટે શહેરોથી આવતા જતા લોકો રસ્તાની સાઈડ પર ગાડી પાર્ક કરી ખરીદી માટે કે નેરોગેજના પાટા પર ફોટો સુટ માટે ઊભા રહેતા હોય છે ત્યારે એક મોટી દુર્ઘટના સર્જાય એમ છે.

આ ઉપરાંત હાલમાં જૂન મહિનો ચાલી રહ્યો છે ત્યારે ચોમાસાની ઋતુ પણ એકદમ નજીક છે ત્યારે વરસાદ પડવાની સાથે જમીન ઢીલી થતાં ઝાડ પડી જવાની શક્યતા વર્તાય રહી છે અને ચોમાસાની ઋતુમાં વરસાદી ઝાપટાં સાથે પવન ફૂંકાવાની સાથે સુકાય ગયેલું ઝાડની ડાળીઓ પણ પડવાની ભીતિ છે માટે અવર જવર કરતા લોકો માટે જીવનું જોખમ લાગી રહ્યું છે. હવે જોવું એ રહ્યું કે શું ? તંત્ર આ બાબત પર ધ્યાન આપી સુકાય ગયેલા ઝાડને હટાવવાની કામગીરી કરશે ખરી?