સંઘપ્રદેશ: દાનહ દમણ દીવમાં પ્રશાસન દ્વારા વીજ વિભાગનું ખાનગીકરણ કરી ટોરેન્ટ પાવર કંપનીએ વધારેલા વીજ વધારા સાથે સરચાર્જ અને એફપીપીસીએનો વધારાને લઈને દાનહ સાંસદ કલાબેન ડેલકરે કેન્દ્રીય ઊર્જા મંત્રી આર.કે.સિંહને લોકોના માથેથી વીજળીભાવ ઓછો કરવા રજૂઆત કરી છે.

સાંસદ કલાબેન ડેલકરે ઊર્જા મંત્રીને રજુવાત કરી કે દાનહ બાહુલ્ય આદિવાસી વિસ્તાર છે. આ પ્રદેશના વિકાસ પ્રજાના ઉત્થાન માટે અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા વેપારી સંસ્થાન અને નાના મોટા ઉદ્યોગોને ઓછા દરે વીજળી આપવામાં આવતી હતી. પરંતુ હાલમાં વીજ વિભાગનું ખાનગીકરણ કરી ટોરેન્ટ પાવર નામની કંપનીને કોન્ટ્રાક્ટ અપાતાં હવે ઘર વપરાશ, ઔદ્યોગિક અને ખેતી જેવા દરેક ક્ષેત્રમાં વીજળીના બિલોમાં ધરખમ વધારો કરી દેવામાં આવ્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે હાલમાં પેટ્રોલ, ડીઝલ, ગેસમાં કમરતોડ વધારાથી જનતા ત્રસ્ત છે તેવા સમયે વીજ વધારો અસહનીય છે. અત્યાર સુધી પ્રશાસન ગરીબી રેખા નીચે જીવતા આદિવાસી લોકોને નહીવત દરે વીજળી આપવામાં આવતી હતી. ત્યારે વીજ દરમાં વધેલા ભાવ વધારાના કારણે ઉદ્યોગો પર પણ હવે જોખમ ઉભું થયું છે ત્યારે જો ઉદ્યોગો બંધ અથવા પલાયન થઇ જશે તો અહીંના લોકોના ધંધા-રોજગાર પર મોટાપાયે અસર થશે અને પ્રદેશમાં મોટું સંકટ પણ ઉભુ થવાની સંભાવના દેખાય છે માટે  ટોરેન્ટ પાવર કંપનીના  વીજ વધારાને લઈને તાત્કાલિક હસ્તક્ષેપ કરી પુનઃ વિચાર કરવાનો આદેશ કરવામાં આવે એવી માંગણી છે.