છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના ભરવાડ વાસમાં રહેતા અને સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોસ્ટેબલ ભરતભાઈ ભરવાડ અને તેની પત્ની મેનાબેન ભરવાડે ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે.આ સમગ્ર ઘટનાની જાણ થતાં નસવાડી પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ, નસવાડીમાં રહેતા ભરતભાઇ ભરવાડ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં ઈન્દ્રાલ બીટમાંમાં ફરજ બજાવતા હતા. નસવાડી ખાતેના તેમના ઘરે પોલીસકર્મી ભરતભાઇ ભરવાડ અને તેમની પત્ની મેનાબેન ભરવાડે આત્મહત્યા કરી હતી. જેથી પત્ની મેનાબેનને નસવાડી રેફરલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યારે પોલીસકર્મી ભરતભાઇ ભરવાડને બોડેલી સંગમ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તબીબોએ બંનેને મૃત જાહેર કર્યાં હતા.

પ્રાથમિક તપાસમાં ઘરકંકાશના કારણે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ કર્મી અને તેની પત્નીએ આત્મહત્યા કરી હોવાના સમાચારથી છોટાઉદેપુર જિલ્લા પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ ગઇ છે. પોલીસ કોન્સ્ટેબલ અને તેમના પત્નીએ આપઘાત કરતા તેમની 6 પુત્રી એક પુત્ર નોંધારા બની ગયા છે. નસવાડી પોલીસે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને આત્મહત્યા કેમ કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.