સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે લોકાર્પણ કર્યું ત્યારે એમણે જાહેરમંચ પરથી એમ કહ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી હજારો સ્થાનિક આદિવાસીઓને રોજગારી મળશે, લારી ગલ્લા, નાની દુકાનો ,હોટલ બનાવી રોજગારી મેળવશે અને એમનું જીવનધોરણ આગળ આવશે. પણ હવે ક્યાંકને ક્યાંક પીએમનું નિવેદન પોકળ સાબિત થઈ રહ્યું છે. કારણ કે પહેલા લારી ગલ્લા હટાવી રોજગારી છીનવી અને હવે BVG કોન્ટ્રાક્ટ રદ કરી આદિવાસી પરિવારોની રોજગારી છીનવી રહ્યા છે.

વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ સાફ સફાઈ કરાવતી બી.વી.જી કંપનીનો કોન્ટ્રાક્ટ બંધ કરવાનો નિર્ણય કરતા 150 જેટલા આદિવાસીઓ હવે બેરોજગાર બની ગયા છે. વડોદરા મહાનગર પાલીકાને માઉન્ટેડ આધુનિક રોડ સ્વિપર મશીન દ્વારા સાફ સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, એટલે હવે માણસથી નહિ મશીનથી સાફ સફાઈ થશે.

મહત્વનું છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ સાફસફાઈની કામગીરીનો કોન્ટ્રાક્ટ બી.વી.જી કંપનીને આપવામાં આવ્યો હતો. અત્યાર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જેટલા પણ મોટા મોટા કાર્યક્રમો થયા છે બી.વી.જી કંપનીમાં કામ કરતા 150 આદિવાસીઓએ દિવસ રાત મેહનત કરી સાફ સફાઈનું કામ કર્યું છે.

કેવડીયા, કોઠી, લીંબડી, વાગડીયા, નવાગામ, ગોરા ગામના 150 આદીવાસી પરિવારોનું બી.વી.જી કંપની પર જ ગુજરાન ચાલતુ હતું.જે તે સમયે એ 6 ગામના સરપંચોએ પોતાના લેટર પેડ પર જેમના નામ આપ્યા એ લોકોની જ બી.વી.જી કંપનીમાં ભરતી કરવામાં આવી હતી. એસ.ઓ.યુ આસપાસના વિસ્તારમાં જે લોકોના લારી ગલ્લા હટાવાયા એવા જ લોકો બી.વી.જી કંપનીમાં કામ કરી રોજગારી મેળવી રહ્યા હતા.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના ચેરમેન રાજીવ ગુપ્તાએ એવા આદેશ આપ્યા હતા કે બીવીજી કંપનીના કર્મચારીઓને અન્ય કોઈ જગ્યાએ રોજગારી આપવી, ત્યારે એમના આદેશની પણ અવગણના કરવામાં આવી હોય એમ લાગી રહ્યું છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થઇ રહ્યું હતું ત્યારે, સ્થાનિકો ને રોજગારી મળશે, લારી ગલ્લા ,હોટલ બનાવી રોજગારી મેળવી શકશો એવા રૂપાળા સપનાઓ બતાવ્યા હતા પરંતુ જમીની હકીકત કઈક અલગ છે અમે મીડિયાને પણ કહીએ છીએ કે સ્થાનિક લોકોને મળો અને જાણો કે કેટલી રોજગારી આપી તે હકીકત બહાર લાવો અને સવાલ એ પણ છે શું જમીન સંપાદન સમયે રોજગારી મળશે ના વચનો માત્ર ભાષણોમાં જ રહી ગયા?

હવે એસઓયુ સત્તા મંડળ એમને અન્ય કોઈક જગ્યાએ રોજગારી આપે છે કે કેમ એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. હાલ તો તેઓ બેરોજગાર બની જતા જો આ 150 આદિવાસીઓને તંત્ર રોજગારી નહિ આપે તો ૨૦૨૨ની ચૂંટણીમાં મુદ્દો બનશે અને અંબાજીથી લઈ ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટા પર આવનારી વિધાનસભા ચૂંટણીમાં એની માઠી અસર થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યાં છે.