ગતરોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકારના નવી દિશા નવું ફલક શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત અને શ્રમ કૌશલ્ય વિકાસ, રોજગાર વિભાગ, આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ, પશુપાલનના વિભાગના સહયોગથી રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન અંગેના પ્રથમવાર સુગ્રથીત સ્વરૂપે આયોજિત સેમિનાર યોજાયો જેમાં જીલ્લા ના વિવિધ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે ભરૂચ લોકસભાના ભાજપના સાંસદ મનસુખ વસાવા, નાદોદના ધારાસભ્ય પી.ડી વસાવા, નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રયુષાબેન,નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી અને અન્ય કર્મચારીઓ તથા મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ હાજર રહ્યા.
આ પ્રસંગે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ગુજરાત શિક્ષણની પરિસ્થિતિ મુદ્દે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, નર્મદા જિલ્લામાં શિક્ષણનું સ્તર ખૂબ નીચું છે. આખા ગુજરાતનું શિક્ષણનું સ્તર નીચું છે. મારી પાસે તેના પુરાવા છે. આ જ કારણસર ગુજરાતમાં ડાયરેક્ટ IPS, IAS અધિકારી ગણ્યાગાંઠ્યા લોકો જ બને છે.
વધુમાં તેઓ કહે છે કે, ‘ગુજરાતમાં ઘણાં IPS, IAS અધિકારી છે, જેમની હું ટીકા નથી કરતો, પરંતુ તેઓ પ્રમોશન લઈને ત્યાં પહોંચ્યા છે. હું સાચું કહું છું એટલે જ લોકો મને સારો નથી ગણતા. સત્ય કહેવું, સાચી વાત કરવી એ મર્દાનગી છે, એ હું વિદ્યાપીઠમાં શિક્ષણ મેળવી શીખ્યો હતો. વસાવાએ કહ્યું કે, મને ઈર્ષા નથી, અદેખાઈ નથી, પણ ગુજરાતમાં બેંકોમાં મેનેજર અન્ય રાજ્યોનાં છે. રેલવેની ભરતીમાં રાજ્યના ગણ્યાગાંઠ્યા લોકો આવે છે.

