વાંસદા: દક્ષિણ ગુજરાતના વાંસદા તાલુકામાં આવેલ ઘુસમાઇમાડી–ચાંદસૂર્યા મંદિર ખાતે ડૉ.પ્રીતેશ ચૌધરી, ડૉ. કમલેશ ગાયકવાડ, પ્રા. દિપેશ કામડી દ્વારા સંપાદન–અભ્યાસ પામેલા “દક્ષિણ ગુજરાતનાં આદિવાસી હાલરડાં” પુસ્તકનો વિમોચન કાર્યક્રમ યોજાયો.
જેમાં દક્ષિણ ગુજરાતની આઠ આદિવાસી ભાષાના સંપાદકો અનુક્રમે કુંકણામાં ડૉ.પ્રફુલા ગવળી (ખટાણા), પ્રા. દિપેશ કામડી (ઘોડમાળ), જગદીશ ભોયે (ખેરિન્દ્રા–સુબીર), ગામીત ભાષામાં કૃતિકા ગામીત અને ઉર્વશી ગામીત (ખુટાડિયા-વ્યારા), ચૌધરી ભાષામાં ડૉ. પ્રીતેશ ચૌધરી (લીમડદા-વ્યારા), ઢોડિયા ભાષામાં અરવિંદભાઇ પટેલ (ધોધડકુવા-કપરાડા), તડવી ભાષામાં માયાબેન તડવી(થપાવી – ડેડિયાપાડા), દેહવાલી વસાવા ભાષામાં ઉર્વશી ગામીત (ખુટાડિયા – વ્યારા), માવચી ભાષામાં ઉમિયા ગામીત (ખુટાડિયા), વારલી ભાષામાં ડૉ. કમલેશ ગાયકવાડ હાજર રહ્યા હતા. આ પ્રસંગે લોકસાહિત્ય સંશોધનક્ષેત્રે કાર્યરત મહેન્દ્ર પટેલ (વાંસદા), ડૉ.પ્રીતિબેન પટેલ (બારડોલી) અને ચિત્રકાર ભરત રામોડે (વાંસદા) તેમજ ડૉ.જયેન્દ્ર પટેલ (વડલી), કુણાલ પટેલ, રવીન્દ્ર ભોયા, વિજય પટેલ, ગૌરવ બિરારી, પ્રવીણ ભોયા, ડૉ.ભગીનાબેન પટેલ, ગણેશ ગાવિત આદિ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
આ પુસ્તકમાં દક્ષિણ ગુજરાતની આઠ આદિવાસી ભાષાનાં કંઠપરંપરાનાં ૫૪ હાલરડાં સંપાદિત કરી ગુજરાતી અનુવાદ અને અભ્યાસ કરવામાં આવ્યો છે. આધુનિકતાના પ્રભાવમાં વિસરાતા જતા વારસાનું સંવર્ધન કરવાના હેતુસર આ અભ્યાસ કરવામાં આવ્યો છે.

