વિચારમંચ: જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજને એક વેબિનારમાં ચેતવણી આપી હતી કે બહુસંખ્યકવાદ ભારતનાં ભવિષ્ય માટે અત્યંત ખતરનાક પુરવાર થશે. રાજને કહ્યું કે, સૌએ સાથે મળીને બહુસંખ્યકવાદનો વિરોધ કરવાનો સમય આવી ગયો છે. બહુસંખ્યકવાદ એવા સમયે ભારતનું વિભાજન કરવાનું કામ કરી રહ્યો છે જ્યારે બહારનાં ખતરાઓનો સામનો કરવા આખા દેશે સંગઠિત રહેવાની જરૂર છે. સત્તાવાળાઓએ ટીકાઓથી ડરવાને બદલે ટીકાઓ અંગે વધુ ઉત્તરદાયી બનવાની જરૂર છે.

રાજને કહ્યું કે, ભારતને હવે સમાવેશી વિકાસની જરૂર છે સમાજનાં કોઈપણ વર્ગને સેકન્ડ ક્લાસ સિટિઝન્સ ગણીને સમાવેશી વિકાસ હાંસલ કરી શકાશે નહીં. જે રીતે બહુસંખ્યકવાદને પોષવામાં આવી રહ્યો છે તે દેશ માટે જોખમી છે. તેનો દરેક તબક્કે વિરોધ કરવાની જરૂર છે. ભારતનો વિકાસ મજબૂત છે પણ ગ્રોથની ટકાવારી જળવાઈ રહે તે માટે સજાગતા અનિવાર્ય છે. દરેક પ્રકારનાં ગ્રોથની ઉજવણી કરવી જોઈએ તે સ્વાભાવિક છે પણ અગાઉનાં નાણાકીય વર્ષની જોખમી ટકાવારીને આધારે મજબૂત ગ્રોથ હાંસલ કરાયો છે તે ભૂલવું જોઈએ નહીં.

રાજને કહ્યું હતું કે ગ્લોબલ નાણાકીય કટોકટી પછી ભારતની ઈકોનોમી ધીમી ગતિએ આગળ વધી રહી છે. ગ્રોથનો પાયો ધીમો અને નબળો છે. મજબૂત ગ્રોથ છતાં આપણે જોઈએ તે રીતે નવી રોજગારીનું સર્જન કરી શક્યા નથી. હજી આપણો ગ્રોથ કોરોના મહામારી પહેલાનાં તબક્કામાં છે. નિકાસ ક્ષેત્રની કામગીરી સારી પણ વખાણવાલાયક નથી. દેશમાં નોકરીઓમાં મહિલાઓની ભાગીદારી વધારવાની જરૂર છે. સરકારે કોઈ ડેટા છૂપાવ્યા વિના કામ કરવાની જરૂર છે.