કપરાડા: વલસાડનો કપરાડા તાલુકો એટલે સંપૂર્ણ આદિજાતિ વસ્તી ધરાવતો ડુંગરાળ વિસ્તાર અહી ન તો કોઇ હાલમાં અદ્યતન લાયબ્રેરી છે કે નહિ કોઇ નજીકમાં કોચિંગ કલાસ સેન્ટર છે. તેમ છતાં કપરાડાના નોકરીયાત વર્ગ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે બહુ મોટું બિડું ઉપાડવામાં આવ્યુ છે.

સૌપ્રથમ નવેમ્બર-૨૦૨૧ માં શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ૧૮૦ કરતા વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા. એવામાં પોલિસ કોન્સેટબલની જાહેરાત આવતા ગ્રાઉન્ડ તૈયાર કરીને શારિરીક કસોટી માટેની તાલીમ આપવામાં આવી. જેમાં રેકર્ડ ૧૬૦ કરતા વધુ વિદ્યાર્થીઓ પાસ થયા. ત્યારબાદ સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ કલાસ શરૂ કરવામાં આવ્યા. કપરાડા જેવા અંતરીયાળ વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ પોલિસ કોન્સટેબલની બેચનું બજેટ રુ.૩ લાખ કરતા વધુ હોઇ, આયોજક ટીમ માટે કપરો રસ્તો હતો તેમ છતાં જન્મ દિવસ, લગ્ન પ્રસંગ, પૂણ્યતિથી જેવા સામાજીક પ્રસંગો નિમિત્તે શિક્ષણ માટે  ફાળા આપવા ગામ લોકોને વિનંતી કરવામાં આવી અને એ અપીલના આધારે ફંડ ફાળો આવવાનો શરૂ થયો. પરિણામ સ્વરૂપે લોકફાળાથી કપરાડા ખાતે એક નાની લાયબ્રેરીની શરૂઆત થઇ. કોઇએ રોક્ડ રકમ દાન કરી તો કોઇએ જૂના નવા પુસ્તકો આપ્યા. કોઇએ ટેબલ, ખુરશી ભેટ સ્વરૂપે આપ્યા તો કોઇએ ન્યુઝ પેપર અને પાણીનું બિલ આપ્યું.

બીજી તરફ પોલિસ કોન્સટેબલની એક બેચ પણ સફળતાથી પૂર્ણ થઇ. હવે ફાઇનલ પરીક્ષામાં વધુ ઉમેદવારો પાસ થાય તેની રાહ જોવાઇ રહી છે. હાલમાં પંચાયત કલાર્ક અને તલાટી કમ મંત્રીના કોચિંગ કલાસ ચલાવવામાં આવી રહ્યા છે. જેનો વધુ પ્રચાર પ્રસાર થાય તે હેતુથી સરપંચથી શરૂ કરીને તાલુકા-જીલ્લા પંચાયત સભ્યો, ધારાસભ્ય-મંત્રીશ્રીને એક મંચ પર ભેગા કરવામાં આવ્યા અને પોતાના ગામમાંથી ઉમેદવારોને કોચિંગ કલાસ સેન્ટર પર મોકલવા માટે અપીલ કરવામાં આવી. પરિણામ સ્વરૂપે હાલમાં પંચાયત કલાર્ક અને તલાટી કમ મંત્રીની બેચ ચાલી રહી છે. જેમાં ૯૦ કરતા વધુ વિદ્યાર્થીઓ નિયમિત આવી રહ્યા છે. વિદ્યાર્થીઓની માંગણીને ધ્યાને રાખી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સભ્યો તથા T.D.O. અને D.D.O. ના સંયુકત ઉપક્રમે કપરાડા મુખ્યમથક ખાતે રૂ.૧ કરોડની લાયબ્રેરી બનવા જઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે અહીંના સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ કલાસનું આયોજન શ્રી મંછુભાઇ એ.ધૂમ પૂર્વ આચાર્યશ્રી, અરૂણોદય હાઇસ્કુલ કપરાડા તથા તેમના વિદ્યાર્થીઓ કે જેઓ હાલમાં વિવિધ સરકારી નોકરીમાં જોડાયેલા છે, તેમના દ્રારા મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં સરકારી નોકરીની તૈયારી કરતા વંચિત વિદ્યાર્થીઓ પાસેથી કોઇ સ્ટાન્ડર્ડ ફી લેવામાં આવતી નથી તથા લોકફાળાથી આવતી રકમ જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ માટે જ વપરાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.