ચીખલી: આજના મધર્સ ડેના દિવસે ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા અને વાંઝણા ગામોની માતાઓની વાત કરવી છે જેઓએ ખેત મજૂરી, પશુપાલન કરવાની સાથે પેટે પાટા બાંધી પોતાની દીકરીને ભણાવી ડૉક્ટર જેવા મહત્વના હોદ્દા સુધી પોહચાડી દીધી છે. આજે દીકરીઓ ડૉક્ટર બની પોતાનું તેમજ માતાનું સપનું પૂરું કર્યું છે.
દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર રાનવેરીકલ્લા ગામના ડૉકટર અપેક્ષા પટેલ MBBS ના માતા ઉષાબેન પટેલ જણાવ્યું હતું કે હવે MD નો અભ્યાસ પૂર્ણ કરાવીશું. દીકરીને ભણાવવા માટે વહેલી સવારે 4 વાગ્યે ઉઠી પશુપાલનમાં મંડી પડતા આખો દિવસ મહેનત કરી રાત્રે 11. વાગ્યા પછી સૂતા હતા. દીકરી ડૉક્ટર બની અમારું તેમજ પરિવારનું નામ રોશન કરે એ માટે અમે અમારી 2 વીઘા જમીન પણ વહેંચી નાખી હતી. આજે મારી દીકરી એમબીબીએસ પૂર્ણ કરી સુરત સ્મીમેર હોસ્પિટલમાં સેવા આપે છે. દીકરીને ડૉક્ટર તરીકે જોતાજ અમારા તમામ દુઃખો દૂર થઈ ગયા હોય તેવું લાગે છે. હવે અપેક્ષાને એમડી નો અભ્યાસ પૂર્ણ કરાવીશું.
વાંઝણા ગામના ડૉકટર જીનલ પટેલ MBBS, ના માતા દીપિકા બેનએ જણાવ્યું હતું કે આખરે મહેનત રંગ લાવી. પશુપાલન અને ખેતી કામ કરીને ભારે તકલીફો વચ્ચે દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપ્યું છે. બેન્ક માંથી લોન લઈ દીકરીઓને ડૉકટર બનાવી. આજે નાની દીકરી જીનલ સ્મીમેરમાં ડૉકટર બનીને સેવા આપી રહી. છે. અન્ય બે દીકરી અને દીકરો પણ મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી ઘડી રહ્યા છે.

