ગાંધીનગર :ખેડબ્રહ્માના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ આજે ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાતા પહેલા કોટવાલે કોંગ્રેસમાંથી અને ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. કમલમ ખાતે વિધિવત રીતે કેસરિયા કર્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે તેમને વિધિવત રીતે ખેસ પહેરાવીને ભાજપમાં સામેલ કર્યા હતા.
કોંગ્રેસમાંથી ભાજપમાં જનારા ધારાસભ્યોમાં વધુ એક નામ સામેલ થયુ છે. આજે ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા છે. કમલમમાં તેઓએ પોતાના સમર્થકો સાથે ભાજપનો ખેસ પહેર્યો હતો. અશ્વિન કોટવાલ સાથે વિજયનગર, પોશીના અને ખેડબ્રહ્માના મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો પણ ભાજપમાં જોડાયા છે.
ભાજપમાં જોડાયા બાદ અશ્વિન કોટવાલે કહ્યુ કે, NGO ની જેમ ચાલી રહેલા પક્ષથી હું નારાજ હતો. આદિવાસી વિસ્તારોમાં NGO ચાલે છે, જેમાં વિદેશથી પૈસા લાવવાનો ખેલ ચાલે છે, તેમાં કેટલાક લોકો આદિવાસીઓના નામે પોતાના ઘર ભરી રહ્યા છે. 2007 માં જ હું ભાજપમાં જોડાવાનો હતો. પીએમ મોદીએ મને કહ્યું હતું કે આદિવાસી સમાજના તમામ પ્રશ્નો મારા ધ્યાન પર લાવજો. હું 2007 એમનો ભક્ત છું. હું ત્રણવાર ભલે કોંગ્રેસમાંથી ચૂંટાયો, પણ દિલમાં તો નરેન્દ્ર મોદી જ હતા. આ પૃથ્વી પરના કોઈ દેશને આવો વિકાસ પુરુષ નહીં મળે.

