ધરમપુર: જિલ્લા પ્રાથમિક શિક્ષણ શિક્ષક સંઘ વલસાડ પ્રેરિત અને સંયુક્ત કર્મચારી મોરચાના વલસાડ આયોજિત પેન્શન બંધારણ અધિકાર દિવસ અંતર્ગત ગતરોજ પારડી અને વાપી તાલુકાના શિક્ષકો, આરોગ્ય વિભાગ તલાટી અને ગ્રામ સેવકનો સંયુક્ત મોરચો બનાવી જૂની પેન્સન યોજના ચાલુ કરવાની માગ સાથે રેલી કાઢવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસોમાં શિક્ષકો તથા અન્ય સરકારી કર્મચારીઓ હાલની પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા માટે લડત લડી રહ્યા છે. કારણ કે નવી પેન્શન યોજનામાં પેન્શન ખૂબ ઓછું મળતું હોય શિક્ષકો અને કર્મચારીઓને પાછળનું જીવન જીવવું ખૂબ મુશ્કેલ ભર્યું બની ગયું છે.
ડો. બાબા સાહેબ આંબેડકરના જન્મ દિને તેમને ફોટા આગળ પુષ્પ અર્પણ કરી ઉપરોક્ત શિક્ષકોએ રેલી કાઢી પારડી ચાર રસ્તા સુધી ફર્યા બાદ પરત કુમાર શાળાના મેદાનમાં વિવિધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે નાણા મંત્રી કનુ દેસાઇને આવેદનપત્ર આપી માગ ન સંતોષાય તો અહિંસક આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

