ચીખલી: આજરોજ ચીખલી તાલુકા સેવા સદનમાં તાલુકા નાયબ મામલતદાર વેકરીયા, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ગાંવિત, કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ, ન્યાય સમિતિ વૈભવ બારોટ, સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર એમ.સી.પટેલ, પાણી પુરવઠાના તરમલભાઈ સહિત વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં નલ સે જલ યોજનાના અધૂરા કામ અંગેનો પ્રશ્ન રજૂ થતાં હાલે ઉનાળાની શરૂઆત થઈ હોય ઝડપથી કામ પૂર્ણ કરવા નિર્દેશ અપાયા હતા. આ ઉપરાંત તેજલાવ ના એટીવીટીના પ્રતિનિધિ પ્રવીણભાઈ ના સરકારી પશુ દવાખાનાનું મકાન જર્જરીત અંગેના પ્રશ્નમાં અધિકારીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું હતું. કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ દ્વારા થાલા, મજીગામમાં નેશનલ હાઈવેના અધૂરા સર્વિસ રોડ અંગે રજુઆત કરાઈ હતી. તાલુકા પ્રમુખ કલ્પનાબેન ગાંવિતે તાલુકા પંચાયત હસ્તકની સીડી ગોડાઉન અને પથિકશ્રમવાળી જમીનની ઝડપથી માપણી થાય તે માટે સુચના આપી હતી. ન્યાય સમિતિના અધ્યક્ષ વૈભવ બારોટે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાંથી કેબલ અને મીટર વગેરેની ચોરીનું પ્રમાણ વધી ગયું હોય પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલીંગ સઘન બનાવી આ ટોળકીને ઝડપી આવી ચોરી અટકાવવા પગલાં લેવાની રજૂઆત કરી હતી.

બેઠકમાં કોઈ પોલીસ અધિકારી હાજર ન રહ્યા. સંકલન સમિતિ જેવી મહત્વની બેઠકમાં કોઈ પોલીસ અધિકારી ઉપસ્થિત નહી રહેતા ચર્ચાનો વિષય બન્યો હતો. પોલીસ મથકમાં એક પીઆઈ અને ત્રણ પીએસઆઈ હોવા છતાં એક પણ અધિકારી હાજર નહીં રહેતા કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ દ્વારા સંકલનની બેઠકમાં પોલીસ સહિત તમામ વિભાગના અધિકારીઓ હાજર રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.