ચીખલી: છેલ્લા ઘણાં દિવસો દરમિયાન ચીખલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાંથી મોટર અને કેબલોની ચોરીના બનાવો વધી રહેવાના કારને ખેડૂતો ત્રસ્ત બન્યા છે ત્યારે પોલીસ સક્રિયતા દખવેતો તસ્કરોની ટોળકીનો પર્દાફાશ થાય તેમ છે. હાલમાં પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી થાય તેવી ખેડૂતોની માંગ કરી રહ્યા છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકાના કુકેરી, રાનવેરિકલ્લા, બોડવાંક, કાંગવાઈ, વાંઝણા, રેઠવાણીયા, માણેકપોર, આમધરા, દેગામ, ઉઠવળ સહિતના ગામોમાં રાત્રિ દરમિયાન ખેતરોમાં સિંચાઈના પાણીની ઇલેક્ટ્રીક મોટરો, કેબલ, સ્ટાર્ટર સહિતની ચીજવસ્તુની ચોરીની અનેક ફરિયાદો ઉઠી છે. આ માટે સ્થાનિક એક ચોક્કસ ટોળકી સક્રિય હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે પોલીસ રાત્રિ પેટ્રોલીંગ સઘન બનાવે અને વોચ ગોઠવી આવી ટોળકીનો પર્દાફાશ કરી ખેડૂતોને આર્થિક નુકશાનીમાં નાંખતા આવા તત્વો પર લગામ લાવે તે જરૂરી છે.

પોલીસ દ્વારા મોટર અને કેબલોની ચોરીના દુષણને ડામવા આસપાસના ભંગારવાળાની પણ સમયાંતરે તપાસ હાથ ધરવી જોઈએ. કેબલ અને મોટરોની ચોરી કરી આ ટોળકી ભંગારવાળાને જ વેચી દઈ રોકડી કરી લેતા હોય છે. પોલીસ દ્વારા ભંગારવાળાઓ ઢોસ વધારવામાં આવે તો આ ટોળકી સાથે ભંગારવાળાઓની સાંઠગાંઠ બહાર આવે તેમ છે. દેગામ વિસ્તારના ખેડૂતો દ્વારા પોલીસ મથકે લેખિત રજૂઆત પણ આ બાબતે કરાઈ છે ત્યારે પોલીસ ગંભીતા દાખવી આ પ્રકારની થતી ચોરી અટકાવવાની દિશામાં કાર્યવાહી કરશે કે કેમ તે હવે જોવું રહ્યું.