ગાંધીનગર: દક્ષિણ ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો આદિવાસીઓ દ્વારા દિવસેને દિવસે વિરોધ મોટું સ્વરૂપ લઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આજે અંદાજીત 50થી વધુ બસો અને નાના મોટા વાહનોમાં આદિવાસીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ પહોંચ્યા છે.
આ કાર્યક્રમમાં જનમેદનીને સંબોધતા મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, આઝાદી મળ્યાને 75 વર્ષ વિતવા છતાં હજુ આદિવાસીઓની હાલત એવી જ છે, જેવી પહેલાં હતી. અમારા સમાજનો વિકાસ થયો જ નથી. આજે આદિવાસીઓ ભેગા થયા છે, તે અસ્તિત્વની લડાઇ માટે ભેગા થયા છે. સમાજના કોણ દુશ્મન છે, તે યુવાનોએ ઓળખી લેવાની જરૂર છે. આદિવાસી સમાજના લોકો કોંગ્રેસમાં હોય, ભાજપમાં હોય તે તમામ મારા ભાઇ છે. પણ તે લોકોનું બીજા લોકો રાજકીય ફાયદો ઉઠાવે તે અમને પોસાય એવું નથી. અમે ચૂંટાઇને આવેલા આદિવાસીઓ સંગઠિત નથી તેનું પરિણામ સમાજ ભોગવે છે. વધારે નહીં બોલુ સમાજના સમર્થનમાં આવ્યો છુ.
આદિવાસી સમાજનું કહેવું છે કે, આદિવાસીઓની જંગલ વિસ્તારમાં દવાખાનાની બિસ્માર હાલત છે. પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નથી એવામાં વિવિધ પ્રોજેક્ટ હેઠળ સમાજની જમીન પચાવી પાડવામાં આવી રહી છે.











