છોટાઉદેપુર: આંતરરાજ્ય સરહદી વિસ્તારનો છોટાઉદેપુર જિલ્લો મોટા ભાગે આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે, હોળીની અગાઉ એક સપ્તાહ પહેલા આ વિસ્તારમાં ભંગોરીયા હાટ ની શરૂઆત થઈ જતી હોય છે. ત્યારે જીલ્લામાં ભરાતા ભંગોરીયાએ કોઇ તહેવાર કે મેળા નહીં પણ હોળીના અગાઉના સપ્તાહમાં જે સ્થળે અઠવાડિક હાટ બજાર ભરાઈ છે તે જ સ્થળે હોળીના તહેવાર માટેની ખરીદી માટે ભરાતો પારંપારિક વિશેષ હાટ ભરાયો છે. જુઓ વિડીયો…

છોટાઉદેપુરના આદિવાસી લોકો હોળી પર્વ માટેની જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપરાંત હોળી ના તહેવાર માટે ની વિશેષ ખરીદી માટે ઉમટી પડતા હોય છે, સાથે આદિવાસી વાજિંત્રો વાંસળી તથા મોટા રામ ઢોલ અને કરતાલ ના તાલે નાચગાન કરીને હોળી પૂર્વે ના ભંગોરીયા હાટની મોજ માણતા હોય છે. પારંપરિક વસ્ત્રો માં સજ્જ થઈ પોતાના ગામ કે પોતાના ફળીયાની એક પ્રકારની એકતા અને વિશેષતા બતાવવા નો પ્રયાસ કરાતો હોય છે, એક જ ડિઝાઇન કે એક જ કલર ના કપડાં પહેરવા માટે નો હેતુ એ પણ રહેલો છે કે ભંગોરીયા હાટ ની એટલી મોટી ભીડમાં પોતાનો સાથી કે પોતાની સખી ક્યાંક અટવાઈ કે ભૂલા ન પડે અને ક્યાંક ભૂલા પડી ગયા હોય ત્યારે સરળતાથી મળી જાય..!

ભંગોરીયા હાટમાં આદિવાસીઓ પોતાના પરંપરાગત આદિવાસી પહેરવેશ માં સજ્જ થઇ પોતાની આગવી ઓળખ અને પોતાની બેનમૂન આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતાં હોય છે, અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર અને જીવંત રાખવાનો પ્રયાસ કરે છે. આમ ભંગોરીયા હાટ એ પૂરા વર્ષ દરમ્યાન પોતાના કામમાં વ્યસ્ત બની રહેતા અહીં ના આદિવાસી લોકો માટે હળવાશ અનુભવી આનંદ ઉત્સાહ મનાવવા માટે નુ સ્ટેજ છે.