આજે પાંચ રાજ્યોની ચુંટણીના પરિણામ જાહેર થયા ત્યારે પંજાબના પરિણામો અને વિજયી બનેલા નેતાઓ માનવામાં ન આવે એવા છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની અને ફાયરબ્રાન્ડ નેતા પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુ પણ હારી ગયા છે

આશ્ચર્યની વાત એ છે કે જે ભદૌર સીટને લઈને ચરણજીતસિંહ ચન્ની અત્યંત આત્મવિશ્વાસમાં દેખાઈ રહ્યા હતા ત્યાંથી એક મોબાઈલ રિપેરિંગની દુકાનના માલિકે તેમને હરાવી દીધા છે ! પોતાના જ ગામમાં મોબાઈલ રિપેરિંગની દુકાન ચલાવનારા લાભસિંહ આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. તેમણે ચરણજીતસિંહ ચન્નીને 26 હજારથી વધુ મતે હરાવ્યા છે.

જ્યારે કોઈ કલ્પના પણ ન કરી હોય તેમ ફાયરબ્રાન્ડ નેતા તરીકે જેમની ગણતરી થાય છે તે પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુ પણ એક સફાઈ કામદારની સામે હારી ગયા છે. સિદ્ધુ આ ચૂંટણીમાં અમૃતસર ઈસ્ટ બેઠક પરથી મેદાને ઉતર્યા હતા અને તેમની સામે આમ આદમી પાર્ટીએ જીવનજ્યોતસિંહ નામના મહિલા ઉમેદવારને ઉતાર્યા હતા. સિદ્ધુને હરાવનારા ‘આપ’ના મહિલા ઉમેદવાર સફાઈ કામદાર છે.