છોકરીનું નામ કાંતિબેન બેડુંભાઈ પવાર.. ધરમપુરથી 127 km દૂર ડાંગના જંગલ વિસ્તારમાં આવેલ પીપલ દહાડ ગામની રહેવાસી.. માતા પિતા ખેતમજૂરી કરી પેટિયું રળી ખાય અને રજાના દિવસે કાંતિ પણ ખેતમજૂરી કરી માતા પિતાને આર્થિક રીતે સહાયભૂત થવાનો પ્રયત્ન કરે છે થોડી ઘણી જે કંઈ કમાણી થાય એમાંથી કાંતિને ભણાવે. હોસ્ટેલમાં એડમિશન ન મળતાં પોતાના ગામથી મળસ્કે 3.00 વાગ્યે ઊઠીને બસ દ્વારા ધરમપુર આવે આમ, અફડાતા ફૂટાતા કાંતિ છેવટે Sociology MA Sem -4 ની પરીક્ષા આપે છે.

છોકરીનું નામ કૌશલ્યા. ભારતીય માતા-પિતાની માનસિકતા ને અનુરૂપ અભ્યાસ દરમ્યાન જ એના લગ્ન કરી દેવામાં આવ્યા. ભણતા ભણતા કૌશલ્યા ગર્ભવતી બની એટલું ઓછું હોય તેમ એણે પ્રિ મેચ્યોર બેબીને જન્મ આપ્યો. આ તમામ પડકારોની વચ્ચે પણ એ પોતાના ભણતરને વળગી રહી. કોલેજની પરીક્ષા દરમ્યાન એની દીકરી માત્ર છ દિવસની. આથી કોલેજના બગીચામાં એની મા તેમજ એનો પતિ એની દીકરીને ઘોડિયામાં સુવડાવે અને કૌશલ્યા પરીક્ષા આપે છે છેવટે કૌશલ્યા એ પણ ભણતા ભણતા સંસ્કૃત માં M A Sem -4 ની પરીક્ષા આપી.

છોકરીનું નામ જાગૃતિ અને આહવા- ડાંગના જંગલ વિસ્તારની વતની. જ્યારે બારમા ધોરણમાં ભણતી હતી ત્યારે જ એણે પિતાની છત્ર છાયા ગુમાવી હતી આર્થિક સ્થિતિ તદ્દન નબળી, જે કોઈ આધાર હતો એ એની મા જેણે ખેતીકામ કરતા કરતા ભારે જહેમત ઉઠાવી જાગૃતિને ભણાવી. છેવટે જાગૃતિ એ Economics MA SEM- 4 માં પરીક્ષા આપી.
છોકરીનું નામ રિયા બચા.

નવસારીની વતની અને અમારી વનરાજ કોલેજના Department of English MA Sem 4 ની વિદ્યાર્થિની. કેટલાક શૈક્ષણિક મુદ્દાઓ લઈને હું એનાથી નારાજ એના પક્ષે પણ કેટલીક યથાયોગ્ય મુંઝવણ હોય શકે. એક દિવસ એ મારી ઓફિસમાં આવી એના શિક્ષક તરીકેના અધિકારની રૂએ અને એક વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં રાખતા મેં એને વ્યવસ્થિત ઠપકો આપ્યો. એ કંઈ જ બોલવાની હિંમત દાખવી શકી નહીં. શક્ય છે એ એની પ્રતિક્રિયા વધુ યોગ્ય રીતે અને યોગ્ય સમયે દર્શાવવા માંગતી હોય.

ઉપરોક્ત તમામ ચાર છોકરીઓ અમારી શ્રી વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ધરમપુરની વિદ્યાર્થિનીઓ. શિક્ષણ મેળવવા માટે કહી શકાય કે એમણે વલખાં માર્યા અનેક વિપરીત સંજોગોની અંદર પણ શિક્ષણ માટે ઝઝૂમી એમ કહી શકાય કે સામાં પ્રવાહે તરી અને જુસ્સાપૂર્વક ધારેલા લક્ષ્ય સુધી પહોંચી.

અહીં અમારી શ્રી વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જાહેર કરતા ગર્વ અનુભવે છે કે કાંતિ Sociology માં, કૌશલ્યા Sanskrit માં, જાગૃતિ Economics માં એને રિયા English MA Sem- 4 માં સમગ્ર વીર નર્મદ સાઉથ ગુજરાત યનિવર્સિટી, સુરત માં પ્રથમ આવે છે અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે છે. સલામ છે આ વિધાર્થીનીઓને…

BY DR.ચંદ્રાહાસ નાઈક