ચીખલી: ચીખલી તાલુકાના મજીગામ ખાતે નવસારી જિલ્લાના તલાટી કમ મંત્રીના મહામંડળની ખાસ જનરલ સભામાં પોંસરી ગામના વોટરવર્કસમાં ક્લોરિન લેકીજના બનાવમાં બીગરીના તલાટીને ફરજ મોકૂફ રાખવાના હુકમ સામે નારાજગી વ્યક્ત કરી અમદાવાદમાં યોજાનાર પંચાયત મહાસભાના રૂટ સુપરવાઈઝરની કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવા સાથે નારાજગી વ્યકત કરવામાં આવી હતી.
18 ફેબ્રુઆરીના રોજ ગણદેવી તાલુકાના પોંસરી ગામના પાણી પુરવઠા યોજનાના કોલોરીન વાળું લિકેજ થતાં આસપાસના રહેણાંક વિસ્તારમાં જેની અસર વર્તાવા પામતાં કેટલીક વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતાં. જે બનાવ બન્યાને ચાર કલાક સુધી કચેરીએ જાણ ન કરી ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અધિકારીની જોગવાઈ મુજબ ફરજ બજાવવામાં નિષ્ફળ રહેવા હોવાનું જણાવી નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બીગરીના તલાટી હિરેનભાઈ ટંડેલને ફરજમાં ગંભીર બેદરકારી દાખવી હોવાનું જણાવી તાત્કાલિક અસરથી તલાટી કમ મંત્રી તરીકેની ફરજથી ફરજમોકુફ કરવામાં આવ્યા અને આ દરમ્યાન તેમનું મુખ્યમથક લીઝ રિઝર્વ તલાટી કમ મંત્રી તરીકે તાલુકા પંચાયત ચીખલી તરીકે કરવામાં આવ્યો હતો.
જિલ્લા મહા મંડળ પ્રમુખ કેતનભાઈ પટેલ દ્વારા ભારે નારાજગી વ્યકત કરી રૂટ સુપરવાઈઝર જેવી કામગીરી અને વોટ્સએપથી માહિતી આપ- લે કરવાનું બંધ કરવાનું જણાવ્યું હતું. બેઠકમાં મહામંત્રી ધર્મેશભાઈ રાઠોડ, ચીખલી તાલુકા તલાટી મંડળ પ્રમુખ નિલેશભાઈ, ગણદેવીના નીલમ પટેલ, વાંસદા ના રમેશભાઈ દેશમુખ તથા મોટી સંખ્યામાં તલાટીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

