ડાંગ: ડાંગના ઉત્સવ એવા ઐતિહાસિક ‘ડાંગ દરબાર’ ના લોકમેળાનુ પ્રતિવર્ષ હોળી-ધૂળેટીના અગાઉના દિવસો દરમિયાન આહવામાં આયોજન કરવામાં આવે છે ત્યારે કોરોનાને કારણે મૌકૂફ રહેલો ‘ડાંગ દરબાર’ આ વર્ષે પૂર્ણ ગરિમા યોજાય, તે માટે જિલ્લા વહીવટી તંત્રએ તૈયારી કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે હોળીના તહેવાર અગાઉ 12મી માર્ચે ડાંગ દરબારના ભાતિગળ લોકમેળાના તેની પરંપરા અનુસાર, રાજયપાલના હસ્તે થનારા ઉદ્દઘાટન સમારોહ બાબતે વિસ્તૃત ચર્ચા કરતા કલેક્ટર ભાવિન પંડયાએ ડાંગ જિલ્લાની ઐતિહાસિક વિરાસતને છાજે તે રીતે સમગ્ર કાર્યક્રમનુ સૂક્ષ્મ આયોજન કરી સમિતિ સભ્યો બનાવવાનું જણાવ્યું હતુ. ડાંગના રાજવીઓને અર્પણ કરાતા સાલિયાણા, પોલિટિકલ પેન્શન, મેળામા આવતા વેપારીઓની દુકાનો અને મનોરંજન પાર્ક માટેની જગ્યા નિયત કરવા સાથે, પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થા, શોભાયાત્રાનો રૂટ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો, આરોગ્ય સંબધિત બાબતો, મંડપ-સ્ટેજ અને બેઠક વ્યવસ્થા, સ્વચ્છતાને લગતા પગલાઓ સહિત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા કલેક્ટરે માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી ડો.વિપિન ગર્ગ તથા જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા દ્વારા ઉપયોગી સૂચનો કરી સરકારી વિભાગો તેમની યોજનાઓને પ્રદર્શનના માધ્યમથી પ્રજાજનો સમક્ષ રજૂ કરી શકે તે માટે વિશાળ પ્રદર્શનીનુ પણ આયોજન કરવા કહ્યું છે.

