ખેરગામ: દારૂની ટેવે ચોરી કરવા મજબૂર બનાવ્યો ખેરગામના રુમલામાં પેટ્રોલ પંપ પર કામ કરતા કર્મચારીએ 1120 લિટર ડિઝલની ચોરી કરી હોવાનું પોલીસ પૂછપરછમાં સ્વીકાર્યું છે  કર્મચારીએ ડિજિટલ ફૂટ પ્રિન્ટ ન આવે તે માટે સી.સી. ટી.વી માં પણ છેડછાડ કરી હોવાનું સામે આવ્યું છે.

Decision Newsને મળેલી માહિતી  ખેરગામ તાલુકાના રુમલા ગામ પાસે એસાર કંપનીનો પેટ્રોલ પંપ આવ્યો છે. જે કશ્યપ દેસાઈની માલિકીનો છે. આ પેટ્રોલ પમ્પ ઘણા સમયથી બંધ છે તેનો લાભ ઉઠાવી પંપના જ કર્મચારીએ રાત્રિના સમયે ડીઝલની વિશાળ ટાંકીમાં મોટર નાખીને 1120 લીટર ડીઝલની ચોરી કરી હતી. આ ઘટનાની જાણ સંચાલકને થતાં ખેરગામ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. પોલીસ તપાસમાં કર્મચારીએ ચોરી કર્યાનું સ્વીકાર્યું હતું. કર્મચારીએ ડિજિટલ ફૂટ પ્રિન્ટ ન આવે તે માટે સી.સી. ટી.વી માં પણ છેડછાડ કરી હતી.

આખી ઘટના વિષે વાત કરીએ તો દાદરા નગર હવેલીમાં રહેતા કશ્યપ દેસાઈનો પેટ્રોલ પંપ રુમલા નહેર પાસે આવ્યો છે. એસાર કંપનીનો આ પેટ્રોલ પંપ ન્યારા કંપનીમાં ફેરવાતા છેલ્લા લાંબા સમયથી બંધ હાલતમાં હતો. ત્યારે ત્યાં ફરજ બજાવતા જીગ્નેશ પટેલ દ્વારા 8મી ફેબ્રુઆરીના રોજ પંપ પર આવેલી ડીઝલની ટાંકીમાંથી 1120 લિટર જેટલું ડીઝલની ચોરી કરી હતી. કંપનીના માલીકને ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ડીઝલનો સ્ટોક અંગે તફાવત જણાતા તેમણે પંપ પર આવીને આ મામલે તપાસ કરી હતી. જેમાં ડીઝલની ચોરી થઈ હોવાનું ફલિત થયું હતું. જેથી રાત્રિના સમયે પંપ પર હાજર આશિષ પટેલની પૂછતાછ કરી હતી. તેણે પ્રથમ જે તે સમયે ફરજ પર હાજર હોવાનું કહ્યું હતું. જોકે, ત્યારબાદ પોલીસ ફરિયાદની વાત સામે આવતા તેણે વાત ફેરવી નાખી હતી અને પેટ્રોલ પંપ પર ચોરી થઈ તે સમયે હાજર ન હોવાનું કહ્યુ હતું. જેથી પંપના માલિક કશ્યપ દેસાઈ દ્વારા ખેરગામ પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર ચોરીની ફરિયાદ આપતા શંકાના આધારે પોલીસે કર્મચારીની પુછપરછ કરતાં તે ભાંગી પડયો હતો અને ચોરી કરી હોવાનું સ્વીકાર્યું હતું.