આપણા વાહન ચાલકોની કાયમ ફરિયાદ હોય છે કે અમુક જગ્યાનો ડામરનો રોડ તૂટયો! પણ જો ડામરની જગ્યાએ નકામા પ્લાસ્ટિકનો રોડ બનાવવામાં આવ્યો હોય તો? સામાન્ય રીતે પ્લાસ્ટિક નષ્ટ થતું નથી, પણ જો તેનો સદુપયોગ કરવામાં આવે તો તેથી ઉમદા કાર્ય કોઇ હોઈ ન શકે! આવો જાણીએ..

સંદેશમાં છપાયેલા અહેવાલ પ્રમાણે મદુરાઇની એન્જિનિયરીંગ કૉલેજના પ્રોફેસરે આવું જ કંઈક ઉમદા કાર્ય કરી બતાવ્યું છે. પ્લાસ્ટિકના રિસાઇકલિંગ પર અલગ અલગ પ્રકારના પ્રયોગ તેઓ કરી રહ્યા છે. તેમના આ પ્રયોગમાં સૌથી મોટી સફળતા પ્લાસ્ટિકમાંથી રોડ બનાવવાની ગણવામાં આવી છે! આ પ્લાસ્ટિક રોડ બનાવવાની કામગીરી માટે તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. આ માટે જ તેમનું નામ ‘પ્લાસ્ટિક મેન ઓફ ઇન્ડિયા‘ પડી ગયું છે! તેમનું સાચું નામ છે ‘પ્રોફેસર રાજગોપાલન વાસુદેવન’. તેમણે પોતાના પ્રયોગના દમ પર વર્ષ 2002માં પ્લાસ્ટિકથી પોતાના કૉલેજ કેમ્પસમાં રોડ બનાવ્યો હતો. પ્લાસ્ટિક રોડ માટેના પ્રોજેક્ટમાં તેમણે ઘણાં વર્ષો સુધી મહેનત કરી અને અંતે સફળ નિવડયા. તેમની આ ટેક્નિક જાણવા ઘણી વિદેશી કંપનીઓએ કરોડો રૂપિયાની ઓફર કરી હતી, પરંતુ તેમણે આ ટેક્નિક ભારત સરકારને નિઃશુલ્ક આપી દીધી!

ભારત સરકાર આ ટેક્નિકથી હજારો કિમી.નો પ્લાસ્ટિક રોડ બનાવી ચૂકી છે ને અન્ય રોડ પ્રોજેક્ટ કાર્યરત છે! તેમણે એક વાર પ્લાસ્ટિકથી થતાં નુકસાન વિશે ટીવી.માં જોયું હતું. આ વિચારે જ તેમને પ્લાસ્ટિક ઇનોવેશનનો વિચાર આવ્યો અને પ્લાસ્ટિક રોડ બનાવવાનું નક્કી કર્યું.