ડાંગ: ગતરોજ ડાંગ જિલ્લામાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનામાં બની રહેલા કૂવાઓની કામગીરીમાં સરકારી અધિકારીઓ અને એજન્સીની મિલીભગતમાં ગેરરીતિ આચરવામાં આવતા ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ડાંગ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

ડાંગના આદિવાસી ખેડૂતોને સિંચાઈ ક્ષેત્રે પાણીની સુવિધા મળી રહે તે માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં ત્રણેય તાલુકાનાં ગામડામાં 2150થી વધુ કૂવા મંજુર કરવામાં આવ્યા છે. આ કૂવા બનવવાની કામગીરી ખુબ જ ઝડપથી ચાલી રહી છે. આ કૂવાઓની કામગીરીમાં એજન્સી દ્વારા નકરી વેઠ જ ઉતારવામાં આવી રહેલી હોવાના કારણે આ યોજના નિરર્થક સાબિત થઈ છે. પરંતુ ડાંગ જિલ્લા વહીવટી તંત્ર કૂવાઓ બનાવતી એજન્સી સામે કાર્યવાહી કરવાની જગ્યાએ ભાગીદાર બની હોય એવા આક્ષેપો લોકો લગાવી રહ્યા છે.

આ કૂવાઓની કામગીરી વેઠ અંગે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ જાગી અને સમિતિનાં પ્રમુખ મોતીલાલભાઈ ચૌધરીની આગેવાનીમાં આવેલા આવેદનપત્રમાં ડાંગ જિલ્લામાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત આશરે 2550 કૂવા તથા તેની ઉપર સોલાર પેનલ ગોઠવવાની યોજના મંજૂર થઈ છે. જિલ્લાના આદિવાસી ખેડૂતોને સિંચાઈની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાનાં હેતુથી નાના અને સિમાંત ખેડૂતોને સમાવી લેવામાં આવ્યા છે. આ કૂવાઓનું સ્થળ જીયાલોજીસ્ટનાં મુજબ પાણીનાં સ્ત્રોતની ચકાસણી કરી જે તે સ્થળે યોગ્ય માપ સાથે કૂવાઓનાં ખોદકામની કામગીરી કરવાનું નક્કી કરાયુ છે પરંતુ એજન્સી દ્વારા મોટાભાગનાં ગામડામાં નકરી વેઠ ઉતારી એકંદરે કૂવાઓનાં ખોદકામની ઊંડાઈ 15,20,25,30 તથા 50 ફૂટ જેટલી જ કરવામાં આવતા અનેક પ્રશ્નાર્થ ઉભા થયા છે.

મોટાભાગના કૂવાઓને બાદ કરતા મોટાભાગે કૂવાની અંદર જોતા પાણીનું ટીપુ પણ જોવા મળતું નથી. એજન્સી અને અધિકારીઓનાં મિલીભગતમાં કૂવાઓનું બાંધકામ ગુણવત્તા વગરનું કરવામાં આવી રહ્યુ છે. કૂવાઓની કામગીરી યોગ્ય રીતે થાય તથા સંબંધિત અધિકારીઓ અને એજન્સી સામે આજદિન સુધીમાં કેવા પગલા ભરાયા છે જે અંગેનો ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર પાસે જવાબ માંગવામાં આવ્યો છે.