ગુજરાત લોકોને ઝડપી વાહનવ્યવહારની સુવિધા ઉપલબ્ધ બને એવા ઉદ્દેશથી મોટા મોટા હાઈવે બનાવવામાં આવે છે એવું તમે વિચારતા હશે તો કેટલા અંશે તમારી વિચારસરણી ખોટી સાબિત થઇ શકે છે કારણ કે આવા હાઈવે વેચીને સરકારે હવે કમાણી કરવાની યોજના બનાવવાની વાત વહેતી થઇ છે.

ગુજરાતમાં હાઇવે બનાવનાર કંપની નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને આ હાઈવે પરત સોંપ્યા બાદ એસેટ મોનેટાઈઝેશન પાઈપલાઈનમાં ગુજરાતથી ત્રણ હાઈવે ફરીથી અન્ય કંપનીને વેચી દેવામાં આવશે. હાઇવે પ્રોજેક્ટ્સના મુદ્રીકરણમાંથી રૂ. 45,000 કરોડ એકત્ર કરવાના કેન્દ્રના લક્ષ્‍યને આગામી નાણાકીય વર્ષ દરમિયાન લાગુ કરવામાં આવે તેવી અપેક્ષા છે કારણ કે આ રસ્તાઓ વધુ ટોલ કમાનારા છે. તેમ સૂત્રોએ અંગ્રેજી અખબાર TOIને જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 377 કિમીની કુલ લંબાઇ સાથેના ત્રણ પ્રોજેક્ટ્સ વડોદરા-ભરૂચ, ભરુચ-સુરત અને સુરત-દહિસરનું મુદ્રીકરણ કરીને રૂ. 18,000-20,000 કરોડ મેળવી શકાશે તેવી આશા છે.

અહેવાલ પ્રમાણે વડોદરા-ભરૂચ, ભરુચ-સુરત અને સુરત-દહિસર, આ 3 સિક્સ લેન હાઇવે પ્રોજેક્ટ્સની વર્તમાન ટોલ આવક આશરે રૂ. 1,700 કરોડ છે. NHAI આ હાઈવે 20 વર્ષ માટે આપી દેવાની બિડર્સ મંગાવાઈ છે અને સૌથી વધુ બીડ કરનારને હાઈવે આપીને પૈસા કમાવા માટે પ્રોજેક્ટ્સનું મુદ્રીકરણ કરી રહ્યું છે.