ગુજરાત: રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017માં 1 હજાર રૂપિયામાં નમો ટેબ્લેટ યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ બે વર્ષ સુધી વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા હતા અને ત્યાર બાદ સરકારે પેનડેમીકને કારણે ટેબ્લેટ આપવાનું બંધ કર્યાની વાત કરી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ટેબ્લેટની ક્વોલિટી સારી ન હોવા સાથે ચાઈના સાથે પ્રોબ્લેમ થવાના કારણે ગુજરાત સરકારે ચાઈના પાસે ટેબ્લેટ લેવાનું માંડી વાળ્યાના કારણે છેલ્લા બે વર્ષથી આ યોજના બંધ પડી છે. ત્યારે VTVના અહેવાલ અનુસાર ડિપ્લોમા સેલ્ફ. કોલેજ એસો.ના પ્રમુખ જિતેન્દ્ર ઉપાધ્યાયે સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર એક તરફ ડિજિટલ એજ્યુકેશનની વાતો કરે છે કે, ત્યારે બીજી બાજુ રાજ્યના અનેક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ટેબ્લેટથી વંચિત છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યના 60 હજારથી વધુ વિદ્યાર્થીઓને હજી સુધી ટેબ્લેટ મળ્યા નથી. ઉલ્લેખનયી છે કે, વર્ષ 2019માં રૂપિયા ભર્યા છતાં હજુ ટેબ્લેટ મળ્યા નથી. કોરોના કાળમાં ટેબ્લેટની જરૂરિયાત હતી છતાં ટેબ્લેટ આપ્યા નથી જ્યારે 2020 અને 21માં તો જાણે આ યોજના બંધ થઇ ગઇ તેમ ટેબ્લેટનું રજિસ્ટ્રેશન જ બંધ કરી દેવાયું છે.

