વાંસદા: સંસ્કારી નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની કુરેલીયા માધ્યમિક શાળામાં શાળાના અભ્યાસના કલાકોમાં વિદ્યાર્થિઓ વર્ગખંડની બહાર મેદાનમાં પાણીની નળી પકડી કાર ધોઈ રહ્યાંની તસ્વીરો પ્રાપ્ત થઈ છે. શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવવા ને બદલે પોતના અંગત કામો કરવી રહ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.

કોરોના દરમિયાન શાળામાં બાળકો આવતા ન હતા પરંતુ હાલ ગુજરાતમાં કોરોનાનાં કેસો ઓછા થતા શાળા શરૂ કરવામાં આવી છે.બાળકો સારી રીતે ભણી શકે તેવા ઉદ્દેશ્યથી શાળાઓ શરૂ કરવામાં આવી છે. સરકારી શાળામાં આદિવાસી બાળકોને ભણવું છે. છતાંય બાળકોને શિક્ષણની જગ્યાએ સફાઈ કામમાં જોતરી દેવાતા શિક્ષણ વિભાગ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. બાળકોને સારું શિક્ષણ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ મિશનો હાથ ધરવામાં આવે છે. સરકારનું આ મિશન સફળ કેવી રીતે થશે? વાંસદા તાલુકાના કુરેલીયા માધ્યમિક શાળામાં આ ઘટના જીવંત દૃશ્યો કેમેરામાં કેદ થયાં છે. જે સરકારના શિક્ષણ વિભાગને લાંછન લગાડે તેવી બાબત છે.

પ્રાપ્ત થયેલી તસ્વીરોમાં સ્પષ્ટ રીતે દેખાય રહ્યું છે. કે કેટલાક વિદ્યાથીઓ એક સફેદ રંગની કાર ધોઈ રહ્યા છે. હાલ સરકારી શાળાઓમાં શિક્ષાના ધજાગરા ઉડાડતા આ બનાવના કારણે વાંસદાની સરકારી માધ્યમિક શાળાઓમાં આપવામાં આવતા શિક્ષણની પોલ ખુલ્લી પડી છે. હવે આ બાબતે શિક્ષણ અધિકારીઓ જવાબદાર શિક્ષકો ઉપર શું કાર્યવાહી કરે છે એ જોવું રહ્યું…