વાંસદા: તાપી-નર્મદા લિંક યોજના જો દક્ષિણ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે તો 288 ગામડાં વિસ્થાપિત થશે અને તેના 10 લાખ આદિવાસી લોકોને અસર પડશે તથા જંગલની 12 હજાર એકર, ખેડૂતોની 15 હજાર એકર અને સરકારી ગૌચર 25 હજાર એકર જમીન ઉપર જંગલો, જંગલના પ્રાણીઓ અને પર્યાવરણને મોટી નુકસાની થવાનો લોકોમાં ભય જોવાઈ રહ્યો છે.
આ બાબતે આદિવાસી સમાજના અગ્રણી અમરસિંહ ચૌધરીએ અમદાવાદ સ્થિત ખેત ભવન ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. પત્રકાર પરિષદમાં આદિજાતિ સમાજના આગેવાનોએ માગણી કરી હતી કે, સરકારે લિંક યોજના પરત ખેંચવી જોઈએ. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજના લોકો બરબાદ થશે. જે લોકો જંગલની જમીન ખેડી રહ્યા છે, જેમના દાવા હજુ મંજૂર થયા નથી તે જમીન પણ જવાની છે. તેમને કોઈ જાતનું વળતર સુદ્ધાં મળવાનું નથી. નર્મદા ઉકાઈ ડેમના કડવા અનુભવ પહેલાં પણ થઈ ચૂક્યા છે.
હાલમાં પણ જે આદિવાસી વિસ્તારોમાં ડેમોના કારણે થયેલાવિસ્થાપિતો હજુ પણ સરખી રીતે ઠરીઠામ થયા નથી હજુ પણ અમુક લોકોને કોઈ જાતની સવલતો મળી નથી. જેમને પાણીનો લાભ મળતો થયો તેમણે એક એકર જમીનની ઓફર કરી નથી. કેન્દ્ર સરકારે બજેટમાં નદીઓના જોડાણની વાત કરી છે, જે અંતર્ગત પાર-તાપી-નર્મદા લિંક યોજનાને પણ ગુજરાતમાંથી મંજૂરી મળી છે, આ નદીઓ આદિવાસી પટ્ટામાં હોવાથી આદિવાસી સમાજને મોટા પાયે અસર થશે એ નક્કી છે.

