ભરૂચ: ભરૂચના આદિવાસી સાંસદ મનસુખ વસાવાએ સંસદમાં બંન્ને ગૃહના આદિવાસી સાંસદોની બેઠકમાં રાજ્ય અને દેશમાં આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે સિંચાઈની સુવિધા અનિવાર્ય હોવાના કારણે રજુઆત કરી તેના અમલીકરણ વિષે ચર્ચા કરી હતી.

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આદિવાસી વિસ્તારની પટ્ટી અને આદિવાસીઓના વિકાસ ઉપર મંથન કરવામાં આવ્યું હતું. જે માટે સંસદમાં બંન્ને ગૃહના આદિવાસી સાંસદોની પ્રસ્તાવ અંગે બેઠક મળી હતી. સાંસદ મનસુખ વસાવાએ આ બેઠકમાં આદિવાસીઓનો વિકાસ કરવો હોય તો તેમને તાત્કાલિક સિંચાઇની સુવિધા ઉપલબ્ધ કરાવવા રજુઆત કરી હતી. આ અંગે સાંસદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આદિજાતિ મંત્રી અર્જુન મુંડા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતને પણ પત્ર લખી લેખિત મત વ્યક્ત કર્યો છે.

દેશના આદિવાસીઓને નહેર કે ટ્યુબવેલ મારફતે સિંચાઈ સુવિધા મળી રહેતા તેઓ ખેતી, પશુપાલન કરી પોતાના વિકાસ સાથે દેશની ઉન્નતિમાં પણ ફાળો આપી શકશે તેમ સાંસદ મનસુખ વસાવાએ અંતમાં કહ્યું હતું.