નવસારી: નવસારીના હીરાના વેપારીને છેતરી રૂપિયા 28.34 લાખના હીરા લઈને ફરાર થઇ, ગોવાના આરમબોલ બીચ પર જલસા કરી રહેલા આરોપીને નવસારી LCB પોલીસે ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછને આધારે નવસારી ટાઉને અન્ય એક આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડી, નવસારી પોલીસે એક મહિનાની અંદર લાખોના હીરા ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ સમગ્ર પ્રકરણમાં ટાઉન પોલીસ મથકે ગુન્હો નોંધાયા બાદ હરકતમાં આવેલી પોલીસે નવસારીના દલાલ અને ઓફીસ માલિકની ધરપકડ કરી હતી.સમગ્ર મામલે 2 આરોપી અને મુદ્દામાલ કબ્જે કરતા, નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી. જેમાં હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સને આધારે પોલીસે સુરતમાં નોંધાયેલા આજ પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલા આરોપીઓને ચકાસતા સુરતના વરાછામાં રહેતા દિપક ઉર્ફે નિખિલ હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે આરોપી ગોવા અને રાજસ્થાનમાં હોવાની કડી મળ્યા બાદ નવસારી LCB પોલીસની ટીમ ગોવા પહોંચી હતી, જ્યાં વિદેશી ટૂરિસ્ટની જ્યાં ભીડ વધુ હોય, તેવા બીચ પર તપાસ કરતા આરોપી દિપક આરમબોલ બીચ પરથી ઝડપાયો હતો.
પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેનો અન્ય સાથી રાજસ્થાનનો મોહિત સેન અને સુરતના રસિકનું નામ ખૂલ્યું હતું, જ્યારે દીપકના ભાડાના મકાનમાંથી પોલીસે રૂપિયા 28.34 લાખના હીરા રિકવર કર્યા હતા. આ સાથે જ સુરત ટાઉન પોલીસની ટીમે રાજસ્થાનથી મોહિતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આરોપી દિપક રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. જેની સામે સુરતમાં 2 અને ભાવનગરમાં એક મળી આજ પ્રકારના 3 ગુન્હા નોંધાયા છે. જ્યારે આરોપી રસિકને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

