દિવ્યભાસ્કર ફોટોગ્રાફ

વઘઈ: થોડા દિવસ અગાવ કેન્દ્ર સરકારની સંસદની બજેટમાં કેન્દ્રીય મંત્રી નિર્મળા સીતારામણે દક્ષિણ ગુજરાતમાં પાર-તાપી-નર્મદા અને દમણગંગા પીંગલ રીવર પ્રોજેક્ટ અંતર્ગત સાત જેટલા મહાકાય ડેમો બંધાશેની જાહેરાત કરી હતી. આના પગલે દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં વિરોધનાં સુર ઉઠી રહ્યા છે ત્યારે ગતરોજ ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાના કાલીબેલ ગામમાં આદિવાસી સંગઠનોનાં નેતાઓની અધ્યક્ષતામાં ડાંગ બચાવો અને ડેમ હટાવો મુદ્દે બેઠક કરવામાં આવી હતી.

આ બેઠકમાં ડાંગ જિલ્લામાં મોટા કદનાં ત્રણ ડેમો બનાવવાની જોગવાઈનાં મુદ્દે અસરગ્રસ્ત ગામોનાં આગેવાનો સાથે ભેગા મળી ડેમ હટાવોનાં મુદ્દે આવનાર દિવસોમાં કેવી રણનીતી બનાવવી તેમજ લોકઆંદોલન સહિત સરકાર સામે કાયદેસરની લડાઈ કરવાની રણનિતી ઘડી કાઢી સર્વાનુમતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે આદિવાસી આગેવાન મુકેશભાઈ ચંદરભાઈ પટેલે લોકોને ડેમો બનશે તો કેવી પરિસ્થિતિઓનું નિર્માણ થશે તે અંગેની સમજ આપી હતી.

ડાંગ જિલ્લામાં ડેમ હટાવો અને ડાંગ બચાવો અંતર્ગત મળેલ બેઠકમાં સુનિલભાઈ ગામીત એડવોકેટ, માઈકલભાઈ, ચિરાગભાઈ, રોશનભાઈ, નિલેશભાઈ ઝાંબરે, લક્ષ્મણભાઈ બાગુલ, સુભાસભાઈ પાડવી તથા ડાંગ જિલ્લા કૉંગ્રેસ પાર્ટી પ્રમુખ મોતીલાલભાઈ ચૌધરી, આમ આદમી પ્રભારી મનીષભાઈ મારકણા, ડાંગ યુવક કૉંગ્રેસ પ્રમુખ રાકેશભાઈ પવાર, કૉંગ્રેસી આગેવાનોમાં મોહનભાઈ ભોયે, ગમનભાઈ ભોયે, તુસાર કામડી જેવા આગેવાનોએ સૂચિત ડેમોનો સખત વિરોધ કર્યો હતો.