ગુજરાત: રાજ્ય સરકારે 7 ફેબ્રુઆરી એટલે કે સોમવારથી સ્કૂલોમાં ધોરણ 1થી 9 સુધીનું ઓફલાઈન શિક્ષણ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેના પરામર્શ અને કોર ગ્રુપમાં ચર્ચા કર્યા બાદ રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટવીટ કરીને આ માહિતી આપી હતી. તેમની સૂચના પ્રમાણે રાજ્યમાં કોરોનાના કેસો ઓછા થતાં વિદ્યાર્થીના અભ્યાસના હિતોને ધ્યાને લઈ આ નિર્ણય લેવાયો છે. 7મી ફેબ્રુઆરીથી જૂની SOP પ્રમાણે ધોરણ 1થી 9નું ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે, ગત 6 જાન્યુઆરીએ 4213 કેસ આવતા 7મી જાન્યુઆરીથી ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ કરાયું હતું.
ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ અગાઉ કોરોનાના કેસ વધતાં 5 ફેબ્રુઆરી સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાની જાહેરાત કરી હતી. જાન્યુઆરીમાં આમેય કોરોનાના કેસ કૂદકે ને ભૂસકે વધતા હતા. ગત 6 જાન્યુઆરીએ 4 હજારથી વધુ કેસ આવતાં સરકારે પહેલાં 31મી સુધી અને પછી 5 ફેબ્રુઆરી સુધી ધો. 1થી 9માં ઓનલાઈન શિક્ષણ ફરજિયાત કરવાનો નિર્ણય લીધો હતો.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 7મીથી ઓફલાઈન ક્લાસ શરુ કરવા સંબંધે એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ મુજબ કોરોનાને લગતી જૂની SOPનો જ અમલ કરાશે અને ઓફલાઈન શિક્ષણ માટે સ્કૂલે આવતા તમામ બાળકોના વાલીઓની લેખિતમાં સંમતિ લેવાશે. સંમતિ આપશે તે વાલીના વિદ્યાર્થીઓને જ સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણમાં પ્રવેશ અપાશે. જ્યારે બાકીના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે.

