નવસારી: ગતરોજ નવસારીના અલિફ નગર ખાતે પાલિકાએ ડિમોલીશન કર્યું હતું. એ પૈકી કેટલાક ઝૂંપડાં હટાવાયા હતા, તો કેટલાકનો થોડો ભાગ તોડી પડાયો હતો. એ તુટેલા ઝૂંપડાના આદિવાસીઓએ તેમના ઘર રિપેર કરી આપવા તથા હટાવેલા ઝૂંપડાંના રહીશોને નવી જગ્યા ફાળવી આપી આવાસ બનાવવાની માંગ સાથે આજે આદિવાસીઓએ નવસારી વિજલપોર પાલિકાના પ્રાંગણમાં ધરણા શરૂ કર્યા હતા.
પ્રજાસત્તાક દિન નિમિત્તે નવસારી નગરપાલિકા પટાંગણમાં આદિવાસી સમાજનાં ધરણાં પાલિકા દ્વારા અલિફ નગર ખાતે કેટલાક ઝૂંપડાઓ હટાવાતા નવી જગ્યાની માંગ સાથે સવારથી આદિવાસી સમાજ ધરણા પર બેઠો હતો. જો કે ધરણાં પર ઉતરેલા આદિવાસીઓને પોલીસ પ્રશાસન કે પાલિકા દ્વારા તેમને સમજાવવાના કોઈ પ્રયાસ ન કરાતા દોઢસોથી બસ્સો સમાજના આગેવાનો ધરણા ચાલુ રાખ્યા હતા. જ્યાં સુધી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ ધરણાં ચાલુ રાખશે અને એ માટે આજે સાંજે પાલિકાના પ્રાંગણમાં જ રહેવા માટેની તૈયારી કરી છે. રહીશો ઉપરાંત તેમના કેટલાક ટેકેદારો પણ નવસારી પાલિકાના પ્રાંગણમાં ધરણા પર ઉતર્યા છે.
આવતી કાલથી ફરીથી પાલિકાની કામગીરી શરૂ થશે, ત્યારે પાલિકાના ચૂંટાયેલા નેતાઓ તથા અધિકારીઓ આ મુદ્દે શું નિવેડો લાવશે, તેના પર સૌની નજર છે.જો કે મોડી સાંજે પાલિકાના શાસકોએ રેલો આવતા દોડી આવીને તોડી નાંખેલા ઘરોના સમારકામ સહિત પ્રશ્નો ઉકેલવા પાલિકાએ બાંહેધરી આપતાં ધરણા સમાપ્ત કર્યા હતા.