બિરસા એજ્યુકેશન તથા જય જવાન સૈનિક ફાઉન્ડેશન છોટાઉદેપુર દ્વારા હાલમાં પોલીસ અને પીએસઆઇ ની શારિરીક કસોટીમાં કવોલિફાઈડ થયેલા ઉમેદવારોને લેખીત પરીક્ષાની તૈયારીઓનાં ભાગ રૂપે છોટાઉદેપુર વિસ્તારના યુવા યુવતીઓ માટે ફ્રી કોચિંગ ક્લાસ માટે ની શરૂઆત કરવામાં આવી હતી,

અહીં છોટાઉદેપુર જિલ્લામાંથી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ સહિતની શારિરીક કસોટીમાં ખુબ મોટા પ્રમાણમાં યુવાઓ ગ્રાઉન્ડ પાસ કરી રહ્યા છે પરંતુ પુરતું વાંચન અને અધ્યયન નહીં કરી શકવાના કારણે લેખિત પરિક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરી શકતા નથી તે વાતને ધ્યાનમાં લઈને છોટાઉદેપુર જિલ્લાના માજી સૈનિકો, હાલ સેવાઓ આપી રહેલ સૈનિકો તથા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અહીંના સૌ સાથીઓ દ્વારા આ સરાહનીય પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, જેમાં ઉમેદવારો માટે નિઃશુલ્ક રહેવા જમવાની વ્યવસ્થાઓ સાથે તજજ્ઞોની સેવાઓ સાથે કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે.

આ કોચિંગ ક્લાસ શરૂ કરવામાં જય જવાન સૈનિક ફાઉન્ડેશનનાં પ્રમુખ ગોપાલભાઈ રાઠવા તથા સાથી સૈનિક જવાનો પેરા કમાન્ડો લલીતભાઈ રાઠવા, સમરાજભાઈ રાઠવા, ઝેનદુભાઈ રાઠવા તેમજ જમ્મુ કાશ્મીર અને આસામ, અરુણાચલ, નાગાલેન્ડ તથા લેહ લદ્દાખની બર્ફીલી પહાડીઓમાં માઇનસ ડીગ્રી તાપમાન વચ્ચે દેશની સુરક્ષા માટે તૈનાત છોટાઉદેપુર જિલ્લાના જવાનો પણ વતનના યુવાઓના ઉજ્વળ ભવિષ્યની ચિંતા દેશની બોર્ડર પર રહીને પણ ખુબ સરસ રીતે સહયોગ કરી રહ્યા છે તે કાબીલેદાદ કહીં શકાય, ઉપરાંત પોલીસ વિભાગના ધનસિગભાઈ રાઠવા તથા ચિરાગભાઈ રાઠવા તેમજ ફોરેસ્ટ વિભાગ આરએફઓ નિરંજનભાઈ રાઠવા પણ જરૂરી યોગદાન આપી રહ્યા છે.

આ પ્રસંગે મમ્મા માર્ગરેટ ઓકિઆના સ્કુલનાં સંચાલક શંકરભાઈ રાઠવા તથા સ્કુલનાં પ્રિન્સીપાલ સરિતાબેન રાઠવા તથા જનરલ હોસ્પિટલ છોટાઉદેપુરના નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ વિજયભાઈ રાઠવા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતેથી વાલસિંહભાઈ રાઠવા તથા સામાજિક કાર્યકર્તા કાન્તાબેન ભાયાભાઈ રાઠવા, મહેન્દ્રભાઈ રાઠવા (પોટીયા)નાં હસ્તે તમામ ઉમેદવારોને પુરતાં પ્રમાણમાં જરૂરી સ્ટેશનરી અને તાલીમ મટીરીયલ આપીને ફ્રી કોચિંગ ક્લાસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કુલના શિક્ષકો અને પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇની તૈયારીઓ કરી રહેલા તમામ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

BY નયનેશ તડવી