ડોલવણ: રાજ્યભરમાં બેકાબુ બનેલા કોરોના સંક્રમણ છતાં ભીડ એકત્રિત થવાનો સિલસિલો જારી છે જેમાં, સરકારી ગાઈડ લાઈનનું પણ સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે. આ વચ્ચે લોકો પણ એટલી જ બેદરકારી દાખવી રહ્યા છે એક તરફ શહેરોમાં સતત સંક્રમણ વધી રહ્યો છે બીજી તરફ ગામડાઓ પણ કોરોનાના સકંજાથી બાકાત નથી . આમ છતાં તાપી જિલ્લાના ડોલવણમાં યોજાયેલા એક લગ્નપ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ડીજે પાર્ટીમાં સામેલ થયા હતા.

તાપીના ડોલવણમાં કનુભાઇ રંગજીભાઈ ગામીત, જીતુભાઇ કનુભાઇ ગામીત, નિલેશભાઇ કનુભાઇ ગામીતે કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર લગ્ન પ્રસંગનુ આયોજન કર્યું હતું. લગ્નનાના આયોજન સામે કોઈ વાંધો નાં હોય શકે, પરંતુ, ડીજે બોલાવી મોટી સંખ્યામાં લોકો ભેગા કરી કોવિડ ગાઈડ લાઈનનો જે રીતે ભંગ કરાયો તે અંગે કાર્યવાહી કરવામાં આવી છે. કોરોનાની વૈશ્વિકમહામારી સંદર્ભે રાજ્ય/કેન્દ્ર સરકારની એસઓપી તથા જાહેરનામાનું કોઈ પાલન કરાયું નહોતું. ડોલવણ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સુનંદાબેનના દિયર રાહુલ ગામીતના લગ્ન પ્રસંગમાં હજારો લોકો DJનાં તાલે ઝૂમ્યા હતા અને સરકારની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થયું હતું. આ મુદ્દે, કનુ ગામીત, જીતુ ગામીત અને નિલેશ ગામીત સામે ફરીયાદ નોંધાઈ છે.

તાપીમાં લગ્નપ્રસંગમાં ભીડ ભેગી કરવા મામલે ડોલવણ PSI અને હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે. તાપીના SPએ નિષ્કાળજી બાબતે PSI વી.આર.વસાવા અને હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ ચૌધરીને સસ્પેન્ડ કર્યા છે. વીડિયો વાયરલ થયા બાદ જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહી હાથ ધરી, ફરજમાં બેદરકારી બદલ કર્મીઓને સસ્પેન્ડ કર્યા હતા