નર્મદા: નારી કલ્યાણ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોનીમાં પ્રવાસીઓ ફરવામાં માટેની ઇ-રિક્ષાની યોજના હવે મહિલાઓ માટે જ મુસીબત બની ગઈ હોવાની પોકાર સાંભળવા મળી રહી છે. હાલમાં કોરોનાને કારણે પ્રવાસીઓ ઘટતા રિક્ષા ચલાવી રહેલી મહિલાઓને ગાંઠના પૈસા કાઢી એજન્સીઓને ભરવા પડી રહ્યા છે જેના કારણે ઇ-રિક્ષા ચાલક મહિલાઓ હડતાળ પર ઉતરી છે.

Decision Newsને મળેલી જાણકારી મુજબ હાલ કેવડિયા કોલોનીમાં 300 જેટલી ઈ રીક્ષાઓ દોડે છે. પરંતુ ઈ-રીક્ષા ચલાવી રોજગારી મેળવવા હોંશે હોંશે જોડાયેલી સ્થાનિક 19 ગામોની શિક્ષિત મહિલાઓએ પોતાની ઈ-રીક્ષાઓની ચાવીઓ એજન્સીને સોંપી હડતાલ પર ઉતરી રહી છે. ઈ-રીક્ષા ચલાવતી મહિલાનું કહેવું છે કે એજન્સીની યોજનાની કોઈ સ્પષ્ટ જાણકારી અમને નથી અમે રોજની જેટલી પણ આવક રળીએ તેમાંથી 900 રૂપિયા રોજના એજન્સીને આપવાના ફરજીયાત છે ત્યારે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કોરોનાને કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટતા માંડ 200-300 રૂપિયાનો ધંધો થાય છે આવામાં મહિલાઓ શું કરે ?.

આમ મહિલાઓની મદદ માટેની આ યોજના તેમના માટે માથાનો દુઃખાવો બની રહી છે. ઈ-રીક્ષા ચલાવતી મહિલાઓની એવી માંગ છે કે અમે જ્યારથી ઈ-રીક્ષા ચલાવી રહ્યા છે ત્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળના અધિકારીઓ મિનિમમ વેજિસ પ્રમાણે પગાર આપે, એમ્પ્લોયમેન્ટ નંબર આપે અન્ય સુવિધાઓ આપે.ત્યારે હવે એ જોવું રહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ કેવી રીતે આ મહિલાઓને ન્યાય અપાવે છે.