મહુવા: ‘કોઈ ઇસ જહાં મેં અમર નહિ..’ પણ અમુક વ્યક્તિઓ પોતાના વિચારો અને કાર્યોથી અમર બની જતા હોય છે એવા જ એક મહુવા તાલુકાના પ્રજાના પ્રશ્નોને વાચા આપનારા યશવંતસિંહ ઠાકોર એક એવા પત્રકાર હવે આપણી વચ્ચે નથી રહ્યા
Decision News સાથે વાત કરતાં તેમના નજીક રહેલા કુલીન પટેલ જણાવે છે કે યશવંતસિંહ ઠાકોર એક એવા પત્રકાર હતા કે જેમને હૈયે હરહંમેશ પ્રજાહિત વસેલ હતું, આવા સેવાભાવી પત્રકારે ૮૩ વર્ષની વયે આ ફાની દુનિયા છોડતાં મહુવા તાલુકાના લોકોમાં શોકની લાગણી ફેલાઈ છે. થોડા સમયથી માંદગી ભોગવતા વડીલે આજરોજ વહેલી સવારે દેહત્યાગ કર્યો હતો.
એમની અંતિમયાત્રા ખરોલી (તા. ચિખલી) ખાતેના એમના નિવાસ્થાનેથી નિકળી અનાવલ ખાતે કાવેરી નદી તટે આવેલ સ્મશાન ખાતે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં શોકમગ્ન સ્નેહીઓ જોડાયા હતા. યશવંતસિંહ ઠાકોર મહુવા તાલુકાના કવિઠા ગામના મૂળ વતની હતા. કવિઠા ગામના સરપંચ તરીકે પણ એમણે સેવા બજાવી હતી. ઉપરાંત સેવાદળના કાર્યકર તરીકે પણ એમણે અમૂલ્ય ફાળો આપ્યો હતો.

