ડાંગ: કોરોના અને ઓમીક્રોન વેરિયન્ટની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ અને ડાંગના વિદ્યાર્થીઓ વધુ પ્રમાણમાં સંક્રમિત ન થાય એ કારણોસર આજરોજ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ ડાંગ ઘ્વારા ડાંગ જીલ્લા પ્રમુખ અને ડાંગ જીલ્લા પ્રભારીની આગેવાનીમાં ડાંગ જીલ્લા કલેક્ટર સાહેબશ્રી મારફતે માન. શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ મહામારી માંથી બહાર આવવા માટે સૌના સહિયારા પ્રયાસ ની જરૂર વર્તાય છે. ત્યારે આપશ્રીને નમ્ર વિનંતી સહ રજૂઆત કરીએ છીએ કે પરિસ્થિતિ વધુ વણશે તે પહેલા તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના હિતમાં ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ વ્યવસ્થા બંધ કરી ઓનલાઇન શિક્ષણ રાબેતા મુજબ શરૂ કરવામાં આવે. સાથો સાથ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ માટે પણ સમીક્ષા કરી ઓફલાઈન શિક્ષણ માટેની નવી ગાઈડ લાઈન જાહેર કરી તેનું ચોકસાઈ થી પાલન કરાવવા માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવવી જોઈએ.

ઉપરાંત તમામ વિદ્યાર્થી માટે ઓનલાઇન શિક્ષણની વૈક્લીપક વ્યવસ્થા શરૂ કરાવવામાં આવે તથા વિદ્યાર્થી અને વાલીઓને કોઈપણ જાતના દબાણ વિના ઓનલાઇન/ઓફલાઈન શિક્ષણ અંગે પોતાની પસંદગી કરવા દેવામાં આવે.
પરિસ્થિતિને ધ્યાને લઇ પ્રાથમિક ધોરણે ઓફલાઈન શિક્ષણ તાત્કાલિક અસર થી બંધ કરવામાં આવે એવી માંગણી છે.