ડાંગ: ગતરોજ જિલ્લાના વાસુર્ના તેજસ્વીની આશ્રમમાં નવસારી અને સુરતની જીવદયા સંસ્થાઓ દ્વારા ડાંગના વાસુરણા તેજસ્વીની આશ્રમમાં અન્નદાન, વસ્ત્ર દાન, અને વિદ્યા દાન સાથે કીડીયારું પુરવાનું કામ કર્યું હતું. દાનના ત્રિવેણી સંગમમાં 42 ગામના 2000 જેટલા ગરીબ જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો.
Decision Newsને મળેલી જાણકારી મુજબ દક્ષિણ ગુજરાતમાં રહેતા મૂળ રાજસ્થાની નાના મોટા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પોતાની કર્મ ભૂમિનું ઋણ ચૂકવવા આદિવાસી વિસ્તારોમાં સેવાકીય કાર્યો કરે છે. આવી બે સેવાકીય સંસ્થા “જય ગોપાળ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ” અને “શ્રી રાધેકૃષ્ણ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામોમાં રહેતા જરૂરીયાતમંદ ગરીબ આદિવાસીઓને દર વર્ષે અનાજ, કપડાં અને શૈક્ષણિક કીટ આપી માનવતાનું કામ કરે છે. આ બન્ને સંસ્થા દ્વારા વર્ષ 2022 ની શરૂઆતમાં આહવા તાલુકાના વાસુરણા સ્થિત તેજસ્વીની સાંસ્કૃતિક ધામ ખાતે પૂ. હેતલ દીદી અને જશોદા દીદીના સાંનિધ્યમાં આહવા તાલુકાના 42 ગામોમાં રહેતા જરૂરિયાતમંદ એવા 2000 લોકોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું, સાથે આ ગામોમાં રહીને અભ્યાસ કરતી ગરીબ પરિવારની દીકરીઓને મદદરૂપ થવા માટે નોટબુક, રાઇટિંગ બોર્ડ, પેન પેન્સિલ જેવી વસ્તુઓ પણ આપવામાં આવી હતી. આ સંસ્થામાં જોડાયેલ 300 જેટલા રાજસ્થાની પરિવારો ગુજરાત ને પોતાની કર્મભૂમિ બનાવી રોજીરોટી મેળવે છે, જેઓ પોતાની કમાણીનો કેટલોક હિસ્સો ધર્માંદામાટે રાખતા હોય છે. જેમનો મુખ્ય ઉદ્દેશ જીવદયા છે,
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અને વસ્ત્રદાન,પુસ્તકદાન ,કીડિયારું પૂરવા અમલસાડ,નવસારી, સુરતના રાધા ક્રિષ્ના જીવદયા,અને જય ગોપાલ જીવદયા ગ્રુપના અતુલભાઈ, દિનેશભાઇ, વાલજીભાઈ, રમેશભાઈ સહિત કાર્યકરોએ યોગદાન પૂરું પાડ્યું હતું. આજના કાર્યક્રમમાં ડાંગના ધારસભ્ય વિજય પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ મંગલભાઈ ગાવીત, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ ભાઈ અને સુરેશભાઇ ચૌધરી, શિક્ષણ અધિકારી ભુસારા ખાસ હાજર રહ્યા હતા.