ખેરગામ: દિલ્હીમાં થોડા દિવસ પહેલા NEET-PG COUNSELLING વહેલું કરાવવાની માંગણી સાથે શાંતિપૂર્ણ આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરી અમાનુષી અત્યાચાર ગુજારતા સમગ્ર દેશના તબીબોના મનમાં ઊંડા દુઃખ અને ઉગ્ર રોષની લાગણી ભભુકી ઉઠી હતી.

આ ઘટનાના વિરોધમાં આજરોજ વલસાડ મેડિકલ કોલેજ ખાતે IMA,વલસાડ અને GMERS, વલસાડના વિદ્યાર્થીઓના સંયુક્ત ઉપક્રમે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ હતું જેમાં મોટી સંખ્યામાં તબીબઓએ ઉપસ્થિત રહી જવાબદાર લોકો સામે કડકમાં કડક પગલાં લેવાય અને તબીબોને ન્યાય મળે એવી માંગણી કરી હતી. આ પ્રસંગે IMA વલસાડના પ્રેસિડેન્ટ ડો નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે ડોક્ટરો હંમેશા લોકસેવા સાથે જોડાયેલો શાંતિપ્રિય સમુદાય રહ્યો છે પરંતુ ડોક્ટરો સાથે આ પ્રમાણે આતંકવાદીઓ જેવો વ્યવહાર બિલકુલ સ્વીકાર્ય નથી. તબીબો ક્યારેય એવું નથી ઈચ્છતાં કે કોઈપણ દર્દીઓ હેરાન થાય એટલા માટે માનવતાના ધોરણે ક્યારેય emergency સુવિધાઓ બઁધ નથી કરી, પરંતુ જો આવી ઘટનાઓ સતત બનતી રહેશે અને ઘટનાના જવાબદાર લોકો સામે જો પગલાં લેવામાં નહિ આવે તો અત્યારસુધીમાં ગાંધી ચિંધ્યામાર્ગે ચાલનાર શાંત તબીબ સમુદાય emergency સહિતની તમામ સેવાઓ બઁધ કરી શકે છે જેના માટે તંત્ર જ જવાબદાર રહેશે.માટે તબીબોના સંસ્કારોને નબળાય નહીં સમજશો એવી ચેતવણી આપીયે છીએ.

આ પ્રસંગે વિદ્યાર્થી નેતા ડૉ. પાર્થ આસોદરિયા સહિતના મેડિકલ વિદ્યાર્થીઓએ પણ પહેલા તાલી,થાળી અને પછી ગાલી જેવી નીતિને કડક શબ્દોમાં વખોડી કાઢી તંત્રની બેધારી નીતિનો વિરોધ કર્યો હતો.