ચીખલી: હાલમાં ગણતરીના દિવસો પહેલા જ ગ્રામ પંચાયતની ચુંટણી પતિ અને ગામના લોકોએ પોતાના નવા પ્રતિનિધિ એટલે કે નવા સરપંચની પસંદગી કરી ત્યારે ચીખલીના માંડવખડક ગામના નવા ચુંટાયેલા સરપંચના ઉમેદવારને હોદ્દો મળવાની રાહ જોયા વગર ગ્રામ વિકાસના કાર્યોમાં કાર્યરત થઇ ગયાના દ્રશ્યો સામે આવ્યા છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકાના માંડવખડક ગામના નવા ચુંટાયેલા સરપંચ અને તેમની ટીમ દ્વારા ગામની ૨૧ જેટલી સગર્ભા મહિલાઓની સ્વાસ્થ્યની જાળવણી માટે ફ્રુટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેને લઈને ગામની મહિલાઓમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર મહિલાઓનું કહેવું હતું કે અમે ગામનું નેતૃત્વ એક સાચા અને લોકોને મદદરૂપ બનનારા વ્યક્તિને સોપ્યું છે જે આજે ખબર પડી ગઈ. જે વ્યક્તિ ગામમાં અવતરણ કરનારા બાળકોની આટલી કાળજી લેતા હોય એ ગ્રામવિકાસના કાર્યો ન કરે એવું બનશે જ નહિ.
સરપંચનું કહેવું હતું કે આપણા સમાજમાં મહિલાઓનું સ્થાન ઉચું આંકવામાં આવ્યું છે અને તેમાં પણ આ ગામની 21 એ મહિલાઓ છે જે ગામમાં નવી પેઢીને લાવનાર છે હું ઈચ્છું છું કે આ આવનારા બાળકો સ્વસ્થ જન્મ લે અને માતાઓનું પણ સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે ફ્રુટ કીટનું વિતરણ કરી ગામમાં એક પહેલ કરી છે.

