ગુજરાત: ઓમિક્રોન સંક્રમણને લઈને સરકાર અને રાજ્યની જનતામાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સૌથી પહેલા આ વેરિઅન્ટની શોધ કરનાર ડો. એન્જેલિક કોએત્ઝીએ લોકોને ઓમિક્રોનના લક્ષણો કેવા હોય શકે અને શું સાવચેતી રાખવી તેના શું જણાવ્યું તેનો વિશેષ અહેવાલ Decision News આપશે..
ડો. એન્જેલિક કોએત્ઝીએ લોકોને ઓમિક્રોનના લક્ષણો જણાવતા કહ્યું કે વાઈરસ દરેક જગ્યાએ છે અને માત્ર બજારો બંધ કરવાથી કામ નહીં ચાલે. ઓમિક્રોનથી ઘરેલુ સંક્રમણ દર વધુ છે. જો સાત લોકોના પરિવારમાં એક વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ થાય છે તો માની લો કે તે અન્ય લોકોને પણ સંક્રમિત કરશે જ. હળવાં લક્ષણોવાળા દર્દીઓને પણ સારવારની જરૂરિયાત હોય છે, પછી ભલે તે હોસ્પિટલમાં દાખલ ન થાય. તેમણે કહ્યું કે, વાઈરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે, આઇસીયુમાં દાખલ મોટા ભાગના સંક્રમિત દર્દીઓએ કોરોનાની વેક્સિન લીધી નથી. જે લોકોએ વેક્સિન લીધી છે તેમનાંમાં હળવાં લક્ષણો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે વાઈરલ સંક્રમણને નબળું સમજવું ન જોઇએ. જો તમારું વજન વધુ હોય અને તમે કોરાનાની વેક્સિન ન લીધી હોય તો ઓમિક્રોનનો ખતરો તમને સૌથી વધુ રહે છે. ઓમિક્રોનની શરૂઆત સ્નાયુઓના દુખાવા સાથે થાય છે. તેના શરૂઆતી લક્ષણ ખાંસી અને તાવ નથી. પીઠના નીચેના ભાગમાં દુખાવો તેનાં નવાં લક્ષણો પૈકી એક છે, સ્નાયુઓમાં દુખાવો થવો તેનું મુખ્ય લક્ષણ છે. આ સિવાય શરીરમાં દુખાવો, થાક, માથામાં દુખાવો વગેરે સામેલ છે. ડો. એન્જેલિકે જણાવ્યું કે, બજારો બંધ કરવાથી કામ નહીં ચાલે. વેક્સિન આપણને સુરક્ષા આપે છે. વાઈરસથી બચવાની જરૂર છે. જો હોસ્પિટલમાં વધુ દર્દીઓ દેખાય તો ફરી કડક પગલાં લેવાની જરૂર પડશે. ઓમિક્રોન વેરિઅન્ટ ઉપલા શ્વસન માર્ગ પર હુમલો કરે છે. તમને ન્યૂમોનિયા પણ થઇ શકે છે, જોકે મોટા ભાગના કેસ સામાન્ય મળ્યા છે. ડો. કોએત્ઝીએ લોકોને કોવિડ-૧૯ વેક્સિનના બૂસ્ટર ડોઝ લેવાની સલાહ આપી છે. ભારતમાં પણ લોકોને બૂસ્ટર ડોઝ આપવો જોઇએ.