વલસાડઃ શિક્ષક અને શિક્ષિકા તરીકે નોકરી કરતાં અને જેઓને 9-20-31 નો ઉચ્ચતર પગાર ધોરણ મળવા પાત્ર થતો હોય તેવા શિક્ષક અને શિક્ષિકાઓ પાસેથી કેમ્પમાં ઉચ્ચતર પગાર ધોરણની ફાઇલ કલીયર કરવા માટે રૂ. 500 ની લાંચની માંગણી કરતા વલસાડના કપરાડા તાલુકાના એક શિક્ષકનો કિસ્સો સામે આવ્યો છે.
ગુજરાત પોસ્ટમાં છપાયેલ અહેવાલ મુજબ આરોપી ગણેશભાઇ કનુભાઇ પટેલ, શિક્ષક તરીકે નાંદગામ કાંવચાડી પ્રાથમિક શાળા, કપરાડામાં ફરજ બજાવે છે, શિક્ષક અને શિક્ષીકાઓ પાસેથી કેમ્પમાં ઉચ્ચતર પગાર ધોરણની ફાઇલ કલીયર કરવા માટે રૂ. 500 ની લાંચની માગણી કરી હતી, જે ફરીયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેમને એસીબીમાં જાણ કરતા માહિતીની ખરાઇ કરવા એસીબીએ તા. 23.12.2021 ના રોજ ડિકોય છટકાનું આયોજન કર્યું હતું. લાંચના છટકા દરમ્યાન કપરાડા બાલચૌડી પ્રાથમિક શાળાની નજીક એસીબીના માણસો ઊભા રહીને શાળામાં આવેલા પ્રાર્થના હોલમાં ચાલતા કેમ્પમાં ડીકોયરને મોકલ્યો હતો, આરોપીએ ડીકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ. 500 ની લાંચની રકમ સ્વીકારતા ઝડપી લીધો હતો.
આ આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડિકોય કરનાર અધિકારી ડી.એમ.વસાવા, પોલીસ ઇન્સ્પેક્ટર, વલસાડ અને ડાંગ એસીબી પો.સ્ટે. અને એસીબી સ્ટાફ, મદદમાં શ્રી કે.આર.સકસેના, સુપર વિઝન અધિકારી એન.પી.ગોહિલ, એસીબી સુરત એકમ સહિતની ટીમ સાથે આ ઓપરેશન પાર પાડ્યું હતું.