સોનગઢ તાલુકામાં અને નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવેલા આંદોલનના કારણે તેમની સામે પોલીસ કેસ નોંધવામાં આવ્યા હતા. તે તમામ કેસ પણ પાછા ખેંચવાની માંગ નિઝર ધારાસભ્ય સુનિલભાઈ ગામીતે પત્ર લખી મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી.

તાજેતરમાં રાજ્ય સરકારે પાટીદાર આંદોલન વખતે તેમની સામે કરવામાં આવેલા પોલીસ કેસો પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયના પડઘા તાપી જિલ્લાના આદિવાસી સમુદાયના લોકો વચ્ચે પણ પડ્યા છે. સોનગઢ તાલુકાના ડોસવાડા ખાતે વેદાંતા ગ્રુપની હિંદુસ્તાન ઝીંક લિમિટેડ કંપની સ્થાપવામાં આવનાર છે પરંતુ સ્થાનિક ગામડાઓમાં વસવાટ કરતાં આદિવાસી ભાઈ બહેનો એનો ભારે વિરોધ કરી રહ્યા છે. આ બાબતે ગત જુલાઈ માસમાં લોક સુનાવણી રાખવામાં આવી હતી ત્યારે લોકોએ તેનો ભારે વિરોધ કર્યો હતો. એ સમયે વિરોધ પ્રદર્શન દરમિયાન ધમાલ થઈ હતી અને પોલીસ વાહનો ઊંધા પાડી દેવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક ભેગા થયેલા લોકોને અને પોલીસ કર્મચારીઓને પણ ઇજા થઈ હતી.

આ બનાવ બાદ ઉપસ્થિત લોકટોળામાંથી અજાણ્યા લોકો સામે કે જેમાં મોટે ભાગના આદિવાસી સમાજના ભાઈ બહેનો હતાં. તેમની વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ જ રીતે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે પણ સ્થાનિક આદિવાસી સમાજ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને આંદોલન થયું હતું ત્યાં પણ આદિવાસી સમાજના લોકો સામે પોલીસ કેસ નોંધાયા છે. આ બાબતે સરકાર દ્વારા પાટીદાર સમાજના લોકો સામે જે રીતે નોંધાયેલા પોલીસ કેસ પાછા ખેંચ્યા છે. એ જ રીતે આદિવાસી ભાઈ બહેનો સામે નોંધાયેલા કેસ પણ પાછા ખેંચવામાં આવે તેવી તીવ્ર માંગ ઉભી થઇ હતી.

આ બાબતે નિઝર સોનગઢના ધારાસભ્ય સુનિલભાઈ ગામીતે મુખ્યમંત્રીને એક પત્ર પાઠવી આદિવાસી ભાઈ બહેનો સામે આંદોલનના કારણે નોંધવામાં આવેલા કેસ પરત ખેંચવાની માંગ મુકવામાં આવી હતી. આ બાબતે આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય લેવામાં ન આવે તો સ્થાનિક આદિવાસી સંગઠનો ફરી એક વાર આંદોલનના માર્ગ અખત્યાર કરવા તૈયાર હોવાની ચીમકી પણ યુવકો દ્વારા આપવામાં આવી હતી.