ચીખલી: ચીખલી તાલુકાના કુકેરી ગામે વાત્સલ્ય ધામ આશ્રમની સામે નવાનગર ખાતે રવિવારે સાંજના સમયે શેરડી ભરેલી ટ્રક પસાર થતા હતા ત્યારે વીજકંપનીની બેદરકારીને કારણે તાર નીચા હોવાથી શેરડી કટિંગ મુકાદમ દિનેશ ગામીત ટ્રક પરથી તાર ઉંચો કરતો હતો ત્યારે કરંટ લગતા મોતને ભેટ્યાનો કિસ્સો બહાર આવ્યો છે.
Decision Newsને પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકાના કુકેરી ગામે વાત્સલ્ય ધામ આશ્રમની સામે નવાનગર ખાતે રવિવારે સાંજના સમયે શેરડી ભરેલી ટ્રક પસાર થઈ રહી હતી. આ વિસ્તારમાં ઇલેક્ટ્રીક વીજ લાઈનના તાર નીચા હોવાથી તાર શેરડી ભરેલી ટ્રકને કારણે તૂટી ન જાય તે માટે શેરડી કટિંગ મુકાદમ દિનેશ ચંદુભાઈ ગામીત ઉંમર વર્ષ 41 રહે ડુંગરડા, ઉપલું ફાળિયું વઘઈ ડાંગ ટ્રક પરથી વીજ તાર ઉંચો કરી રહ્યો હતો. દરમિયાન આકસ્મિક રીતે કરંટ લાગતા તે ટ્રક માંથી નીચે પડી જતાં મોતને ભેટ્યો હતો. આમ વીજ કંપનીની લાપરવાહીના કારણે નિર્દોષ મજુરનો ભોગ લીધો હતો.
આ વિસ્તારમાં વીજ લાઈનના તાર નીચા હોવાથી લઈ કોઈ જાનહાનિ કે આકસ્મિક ઘટના ન બને તે માટે સ્થાનિક રહીશોએ રાનકુવા વીજ કચેરી ખાતે લેખિતમાં અરજી આપી હતી. આ બનાવ અંગે ની ફરિયાદ કૌશિક ગાવીતે કરતા વધુ તપાસ રાનકુવા પોલીસ ચોકીના પોલીસ કર્મી મેહુલભાઈ કરી રહ્યા છે.

