ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ જગદીશ ઠાકોરનો પદગ્રહણ સમારોહ આજે બપોરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસ પક્ષમાં નવા પ્રાણ પૂરવા માટે અમિત ચાવડાની જગ્યાએ જગદીશ ઠાકોરને નવા પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. જ્યારે વિરોધ પક્ષના નેતા તરીકેની જવાબદારી પરેશ ધાનાણીની જગ્યાએ આદિવાસી નેતા સુખરામ રાઠવાને સોંપવામાં આવી છે.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરના પદગ્રહણ સમારોહમાં ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, હાર્દિક પટેલ, તુષાર ચૌધરી, જીજ્ઞેશ મેવાણી, અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિત ગુજરાતના ગામેગામથી કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરો ઉમટી પડ્યા હતા. ગુજરાતમાં વર્ષોથી સત્તાથી દૂર રહેવાથી સુષુપ્ત થઈ ગયેલી કોંગ્રેસ પાર્ટીને ફરી બેઠી કરવા અને આવનારી વિધાનસભાની ચૂંટણીના મેદાનમાં પક્ષપલટુઓ અને વિરોધી તાકાત સામે લડી લેવાનું જગદીશ ઠાકોર તથા અન્ય દિગ્ગજ નેતાઓએ કાર્યકર્તાઓને આવાહન કર્યું હતું.