ગુરુવારે થયેલી લોકસભામાં કોવિડ-19 ચર્ચાનો આજે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા જવાબ આપશે. લોકસભામાં કોરોના મુદ્દે મેરેથોન ચર્ચા હાથ ધરાઇ હતી. ગુરૂવારે મોડી રાત્રે પુરી થયેલી આ ચર્ચા 13 કલાક ચાલી હતી. આ ચર્ચામાં સરકાર તેમજ વિરોધ પક્ષ સહિતના તમામ સભ્યોને બોલવાની તક આપવામાં આવી હતી. જ્યારે રાજ્યસભામાં આજે મહત્વના વિધાયક કામો સુચિબધ્ધ છે. જે પ્રમાણે રાજ્યસભામાં આજે કામગીરી ચાલશે.

સંસદના શિયાળુ સત્રના ચોથા દિવસે ગઈકાલે રાજ્યસભામાં ડેમ સેફ્ટી બિલ પસાર કરવામાં આવ્યું હતું. જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે આ બિલ અંગે જણાવ્યું હતું કે, 2 વર્ષ પહેલા લોકસભામાં સદનના તમામ સભ્યોએ મળીને આ બિલને પાસ કર્યું હતું. આ બિલના કારણે ડેમની સુરક્ષા પ્રક્રિયામાં એકરૂપતા આવશે. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની સુરક્ષા માટે આ બિલમાં જોગવાઈ કરવામાં આવી છે.

આ ચર્ચાઓ અગાઉ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે, સદનમાં આજે કોરોના અંગે સકારાત્મક ચર્ચા થાય, તેમજ સાંસદોને કોરોના દરમિયાન પોતાને થયેલા અનુભવોને શેર કરવા માટેની અપીલ પણ કરી હતી.